(એજન્સી) પુણે, તા.૧૮
આઈટી એન્જિનિયર મોહસીન સાદીક શેખ જેમને શંકાસ્પદ હિન્દુ રાષ્ટ્ર સેનાના ચળવળકારીઓએ કથિત રીતે ઢોર માર મારતા એ મૃત્યુ પામ્યો હતો, એમના પિતા ૬૪ વર્ષીય મોહમ્મદ સાદીક શેખનું હૃદય રોગના હુમલાના લીધે સોલાપુરમાં મૃત્યુ થયું હતું. સોમવારે સાદીકે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને બપોરે ર.૩૦ કલાકે અવસાન પામ્યા હતા. સોલાપુરથી સંબંધ ધરાવતા મોહસીન સાદીક શેખ ઉપર હદાસપર પાસે હોકી અને લોખંડની પાઈપો સાથે હિન્દુ રાષ્ટ્ર સેનાના શંકાસ્પદ ચળવળકારીઓએ હુમલો કર્યો હતો અને ઢોર માર મરાતા સાદિકનું મૃત્યુ થયું હતું. આ ઘટના રજી જૂને મોડી રાત્રે બની હતી જ્યારે એ નમાઝ પઢ્યા પછી ઘરે પાછો જઈ રહ્યો હતો. મોહસીન પુણેની સ્વરગેટ વિસ્તારમાં આવેલ ઉજ્જવલા એન્ટરપ્રાઈઝમાં આઈટી મેનેજર તરીકે નોકરી કરતો હતો, એ પોતાના કુટુંબમાં એકલો જ કમાનાર હતો. જે તે વખતે ફેસબુક ઉપર છત્રપતિ શિવાજી, છત્રપતિ સંભાજી અને બાલ ઠાકરે ઉપર વાંધાજનક ટિપ્પણીઓ લખાઈ હતી, જેના સંદર્ભે હિંસા ફાટી નીકળી હતી. જે હિંસાનો ભોગ મોહસીન શેખ બન્યો હતો. શેખની ઘાતકી હત્યાના સોશિયલ મીડિયા સમેત પુણેમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. એમના કુટુંબીજનો સરકાર પાસેથી ન્યાયની માગણીઓ કરતા હતા. મોહસીનના પિતાએ સાદીક માટે વળતર મેળવવા અથાગ પ્રયાસો કર્યા હતા અને હાલમાં પણ કાયદાકીય લડત લડી રહ્યા હતા. ર૯મી નવેમ્બરે સરકારે સાદીકને ૧૦ લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો હતો પણ પૈસા આપ્યા ન હતા. જેને મેળવવા સાદીકના પિતાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. શેખના જમાઈએ જણાવ્યું કે, શેખ એક દુઃખી વ્યક્તિની જેમ અવસાન પામ્યા હતા. એ કુટુંબ માટે વળતર મેળવવા ઘણા ચિંતિત હતા. એ કલેક્ટર ઓફિસ અને બોમ્બે હાઈકોર્ટમાં સતત આવ-જા કરતા હતા જેથી રાહત મેળવી શકે.