લંડન, તા.૧પ
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈનઅલીએ હાલની ઓસ્ટ્રેલિયન ટીનમે અસભ્ય ગણાવતા કહ્યું કે તે એકમાત્ર ટીમ છે જે તેને ગમતી નથી. મોઈને ‘ધ ટાઈમ્સ’માં મિકી આર્થરટનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તમે કોઈની પણ સાથે વાત કરશો તે એવું જ કહેશે કે જેટલી પણ ટીમો સાથે રમ્યો છું. તેમાંથી ઓસ્ટ્રેલિયા મને બિલકુલ પસંદ નથી. મોઈને કહ્યું કે વર્ષ ર૦૧પમાં રમાયેલી એશીઝ સિરીઝ દરમ્યાન ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ તેને ‘ઓસામા’ કહીને બોલાવ્યો હતો. અલીએ દાવો કર્યો કે કાર્ડિફમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તેની વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી થઈ તેનાથી તે ઘણોં પરેશાન થયો. અલીએ તે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ ઈનિંગમાં ૭૭ રન બનાવ્યા અને પાંચ વિકેટ ઝડપી. યજમાન ટીમને ૧૬૯ રને વિજય અપાવ્યો. તેણે કહ્યું કે એટલા માટે નહીં કે તે ટીમ ઓસ્ટ્રેલિયા છે. અને અમારો જૂનો દુશ્મન છે. પણ જે રીતે તેઓ ખેલાડીઓ અને લોકોનું સન્માન કરતા નથી અને ખરાબ વ્યવહાર કરે છે. આ કારણે મને તે ટીમ બિલકુલ પસંદ નથી. ઓસી ખેલાડીઓ ના ફકત પરેશાન કરતા હતા પણ ગાળો પણ બોલતા હતા.