(એજન્સી)
નવી દિલ્હી, તા.રપ
મીટ કારોબારી મોઈન કુરેશી હાલ જામીન પર મુક્ત છે પરંતુ એમના મામલાએ જોડાયેલ દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સીબીઆઈના ટોચના બે અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની હકાલપટ્ટી કરાવી મૂકી છે. જો કે મોઈન કુરેશી મામલાના તપાસની અગનજ્વાળા અગાઉ પણ સીબીઆઈ ચીફને લપેટામાં લઈ ચૂકી છે, એમાં સીબીઆઈ ચીફ રહી ચૂકેલ રંજીત સિંહા અને એ.પી. સિંહ સામેલ છે. મોઈન એ.પી. સિંહના દિલ્હીના ડિફેન્સ કોલોની ખાતેના નિવાસ સ્થાનેથી તેની કંપની ચલાવતો હતો. ૧૯ જૂન ર૦૧૪માં આયકર વિભાગે એ.પી. સિંહ અને પત્ની શબનમ સિંહને નોટિસ પાઠવીને વ્યક્તિગત લેણદેણનું સરવૈયું માંગ્યું હતું. ઉત્તરપ્રદેશના કાનપુર સાથે નાતો ધરાવનાર મોઈન કુરેશીએ રામપુરમાં વર્ષ ૧૯૯૩માં કતલખાનું શરૂ કર્યું અને ટૂંકા ગાળામાં જ માંસનો મોટો વેપારી બની ગયો. પાછલા રપ વર્ષોમાં અનેક સેક્ટરોમાં રપથી વધુ કંપનીઓ ઊભી કરી દીધી છે, મોઈન સામે કરચોરી, મની લોન્ડરીંગ અને ભ્રષ્ટાચાર સહિતના અનેક આરોપસર તપાસ થઈ. એના પર સીબીઆઈ અધિકારીઓ રાજનેતાઓ સહિત અને અધિકારીઓને લાંચ આપવાનો પણ આરોપ છે. વર્ષ ર૦૧૪માં તત્કાલીન સીબીઆઈ ચીફ રંજીત સિંહાના ઘરે ૧પ મહિનામાં ૭૦ વાર ગયો એ સમયે મોઈન કુરેશી સૌથી પહેલીવાર ચર્ચામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ સિંહા પણ ઘણા સમાચારોમાં ઝળક્યા હતા. હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબુએ ઈડીને જણાવ્યું કે, ગત વર્ષે સિંહા દ્વારા સીબીઆઈ કેસમાં સપડાયેલા મિત્રને જામીન અપાવવા ૧ કરોડ રૂપિયા કુરેશીને આપ્યા હતા. આ આરોપ બાદ સુપ્રીમ કોર્ટે સિંહાને ફટકાર લગાવી હતી. સિંહા વર્ષ ર૦૧રથી ર૦૧૪ સુધી સીબીઆઈના ચીફ રહ્યા અમે તેમના પરના આરોપોને સતત નકારતા રહ્યા. સીબીઆઈના વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાનાની તપાસ સંબંધિત દસ્તાવેજો મુજબ આસ્થાનાની પુત્રીના રપ નવેમ્બર ર૦૧૬માં લગ્ન હતા. લગ્ન સ્થળથી માંડીને કેટરિંગ સુધીની તમામ સુવિધાઓ કોમ્પ્લિમેન્ટરી (મફત) હતી.