ઉના, તા.૧ર
સમગ્ર સૈારાષ્ટ્રમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાને લઇ બે દિવસથી સમગ્ર ગુજરાતભરનું તંત્ર એલર્ટ બની ગયું છે. ઉના તાલુકાના કંઠાળ વિસ્તારના દરિયાઇ સીમા કાંઠે આવેલા સૈયદ રાજપરા અને નવાબંદર સહીત પર ગામોને આ વાવાઝોડાએ અસર પહોંચાડતા આજે વહેલી સવારે અચાનક વાવાઝોડાની અસર જોવા મળતા અને અચાનક વાતાવરણએ પલ્ટો મારતા કાળા ડીબાંગ વાદળો સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થતાં અને નવાબંદર, સૈયદ રાજપરા ગામનો દરિયો તોફાની પવન સાથે ૧રથી ૧૨ ફૂટ ઊંચા મોંજા ઉછળતા નજરે જોવા મળેલ અને દરિયાકાંઠા વિસ્તારમાં લંગારેલ બોટો પણ દોરડા તૂટી જતાં તણાઇ દરિયા વચ્ચે ફંગોળાઇ જતાં આ બોટને બચાવવા સૈયદ રાજપરા ગામનો એક માછીમાર દરિયાઇ પાણીમાં જતાં લોકોની નજર સમક્ષ ડૂબી જતાં અરજણ બાબુભાઇ પરમાર (ઉ.વ.૪૦) નામના યુવાનની ત્રણ બોટ અને ૨૦ જેટલા માછીમારોએ શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી. આ ઉપરાંત ઉનાના નવાબંદર ગામે પણ એક બોટનુ દોરડું તૂટી જતાં બોટમાં બેઠેલા સાત જેટલા માછીમારો બોટ સાથે દરિયાના ઉછળતા મોજા વચ્ચે ખસી જતાં અન્ય બોટની મદદથી સલામત કાંઠા પર લાવી ખલાસીઓને બચાવી લેવાયા હતા.
સૈયદ રાજપરા ગામે દરિયો તોફાની બની ગયેલ છે દરિયાના પાણી કાંઠા પર આવેલ ઝૂંપડપટ્ટીમાં ઘૂસી આવતા હોય અને આ કાંઠા પર અંદાજીત ૧૨૦૦ જેટલા માછીમારો ધારાબંદર વિસ્તારના ધંધારોજગાર માટે આવતા હોય છે. આ ઝૂંપડપટ્ટીના લોકોની સ્થિતિ અતિ ખરાબ બનતા અને સૈયદ રાજપરા ગામે અતિ સંવેદનસીલ વિસ્તાર હોવા છતાં તંત્ર દ્વારા સાયકલોન સેન્ટરજોનની કોઇ વ્યવસ્થા ન હોવાથી આ ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને હાલ સરકારી શાળા અથવા ખજુદ્રા ગામે આવેલા સાયકલોન સેન્ટરજોનમાં ખસેડવાની યુદ્ધના ધોરણે ઉના નાયબ કલેક્ટર પ્રજાપતિએ પોલીસ અને તંત્ર તેમજ એન.ડી.આર.એફ.ની ટીમ સાથે મુકામ કરેલ છે.
વાયુ વાવાઝોડું હજુ પણ રાત્રીના ભયાનક બને તેવી આશંકાને ધ્યાને લઇ અસલામત જગ્યા પર વસતા લોકોને નવાબંદર પી.એસ.આઇ. મંધરાએ વધુ પોલીસ સ્ટાફને સૈયદ રાજપરા બંદરે બોલાવવામાં આવેલ છે. મામલતદાર નિનામા અને તા.વિ.અધિકારી દ્વારા હાલ ગામમાં લોકોને સુવિધા મળી રહે તેવી કાર્યવાહી શરૂ કરેલ છે. દરિયાનાં ઉછળતા ૧૨ ફૂટ મોજા અને કરંટને કારણે લોકોની જાનહાની અને માલ મિલકતની ખુમારીથી અટકાવવા સમગ્ર તંત્ર સૈયદ રાજપરા ગામે મુકામ કરેલ છે. હાલમાં ૫૦ જેટલા ગામોમાંથી ૬ હજાર ૬૬૫ લોકોનુ સ્થળાંતર કરવા ૨૦૦થી વધુ કર્મચારી કામે લાગ્યા હતા. પરંતુ ૪૬૦૦ લોકોનું હાલ સ્થળાંતર કરાયેલ છે. ઉનાના નાલિયા માંડવી ગામે બનેલા સાયકલોનજોન સવારે બંધ જોવા મળેલ પરંતુ તંત્રની નજર પર મીડિયાએ આ બાબત લાવતા તાત્કાલીક અધિકારી દ્વારા તાત્કાલીક ધોરણે સાયકોલોન સેન્ટર ખોલી ગામ લોકોને ત્યા આવી જવા હાકલ પડાયેલ પરંતુ ગામ લોકો ત્યાં આવવા તૈયાર ન હોવાનું જાણવા મળેલ છે. સવારથી અચાનક વરસાદ અને પવનના કારણે ઉનાના વિદ્યાનગર વિસ્તારમાં એક મકાન ધસી પડતા મોટી જાનહાની થતાં અટકી હતી. હાલમાં ભારે પવન અને વરસાદ ધીમી ગતિએ ચાલુ હોવાના કારણે મોડી રાત્રી સુધી તેની તિવ્ર ગતિ વધે તેવી આશંકા મંડાય રહી છે. ભારે વાવાઝોડાની સંભાવના છતાં સૈયદ રાજપરા અને સીમર ગામે દરિયાઇ કાંઠા પર વસતા લોકો સ્થળાંતર કરવા તૈયાર ન થતાં ખૂદ નાયબ કલેક્ટર પ્રજાપતિએ બંને બંદરની મુલાકાત લઇ પોતાનું હેડક્વાર્ટર ઊભુ કરી પોલીસ અને તંત્રની તમામ ટીમો ઉતારી લોકોને ખસેડવાની કામગીરી વધારેલ છે અને એસ.આર.પી.ની બે ગાડી મંગાવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી છે.
સૈયદ રાજપરા ગામે લોકોની નજર સમક્ષ માછીમાર દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થતા ધડીના છઠા ભાગમાં ડૂબી જતાં કલાકો સુધી ચાર બોટની અંદર માછીમારોની શોધખોળ પછી પણ મળી આવેલ ન હતો. બંદર પર આવેલ જેટી નજીક ફિશરીઝ ડિપાર્ટમેન્ટની કચેરી આવેલ છે. તેમાંથી સતત માછીમારોને સાવચેત રહેવા માઇક દ્વારા સૂચના અપાતી અને જાણકારીથી લોકો સાવચેત બન્યા. સૈયદ રાજપરા ગામે દરિયાકાંઠે વસતા ધારાબંદરના માછીમારો કોઇપણ રીતે વાવાઝોડાની અસર અંગે સમજતાં ન હોય અને તેને ધ્યાને રાખી નાયબ કલેક્ટરએ તાત્કાલીક ૫૦ પોલીસ અને ૨ એસઆરપી ટીમને ખડેપગે રાખી સમગ્ર વિસ્તારને ખાલી કરાવવા તમામ તંત્રને સ્થળ પર ગોઠવી દીધા હતા. ઉના શહેરમાં તમામ શાળા કોલેજોમાં પણ બાળકોને રજા જાહેર કરાતા શાંતિનું વાતાવરણ જોવા મળેલ હતું.