(એજન્સી) અજમેર, તા.૨૧
ખતરનાક બ્લૂ વ્હેલ ચેલેન્જ બાદ હવે ઇન્ટરનેટ પર અન્ય એક ચેલેન્જ વાઇરલ થઇ છે. મોમો ચેલેન્જ નામની આ ગેમે ભારતમાં પોતાનો શિકાર એક ૧૦માં ધોરણમાં ભણતી કિશોરીને બનાવ્યો છે. ૧૦માં ધોરણમાં ભણતી કિશોરીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. કિશોરીના મૃત્યુ માટે પરિવારજનોએ આ ગેમને જવાબદાર ગણાવી છે અને સાથે આત્મહત્યામાં ગેમની શું ભૂમિકા છે તેની તપાસની પણ માગણી કરાઇ છે.
કિશોરીની એક સહેલીએ તેના ભાઈને જણાવ્યું હતું કે તે મોમો ચેલેન્જના છેલ્લા રાઉન્ડમાં પહોંચવા પર ખૂબ જ ઉત્સાહી હતી. ભાઇએ કહ્યું કે ખાલી સમયમાં ઘરે અને શાળામાં તે મોમો ચેલેન્જ જ રમતી હતી. તપાસમાં તે પણ જાણવા મળ્યું કે તેણે ગળે ફાંસો લગાવતા પહેલા પોતાની હાથની નસ પણ કાપી હતી.
જો કે, પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કિશોરીએ સુઈસાઈડ નોટમાં લખ્યું હતું કે તે ખરાબ માર્કસને કારણે આ પગલું લેવા જઇ રહી છે. પોલીસે જણાવ્યું કે કિશોરીની ઇન્ટરનેટ બ્રાઉઝિંગ હિસ્ટરીની તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે મોમો ચેલેન્જ અમેરિકા, અર્જેન્ટિના, ફ્રાન્સ, મેક્સિકો અને જર્મનીમાં વધુ સક્રિય છે. તેના કારણે પ્રથમ મૃત્યુ અર્જેન્ટિનામાં થઇ હતી, જ્યાં એક ૧૨ વર્ષની બાળકીએ આત્મહત્યા કરી હતી. રમતમાં કોઈ અજ્ઞાત નામથી ખતરનાક ચેલેન્જ આપવામાં આવે છે. આ ચેલેન્જ ખૂબ જોખમ ભરેલી હોય છે. જો તમે તેને પૂર્ણ નથી કરતા તો મોમો યુઝર્સ પર માનસિક દબાવ બનાવે છે. તેની ધાકધમકી અને દબાણના કારણે માનસિક અવસાદમાં વ્યક્તિ આત્મહત્યા કરવા મજબૂર બની જાય છે. અત્યારે આ ચેલેન્જ બાળકો અને યુવાનોમાં સૌથી વધુ ફેલાઈ રહી છે.