(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
બાઈક ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલીસી પર ટેક્ષ વધારો જ્યારે ઈન્સ્યોરન્સ તેમજ બચત સ્કીમ દ્વારા મળનાર લાભના વ્યાજદરોમાં ઘટાડાને કારણે લાખો બચતધારકો અને ખાસ કરીને સીનીયર સિટીઝનો કે જેઓ પોતાના પરિવારનું ગુજરાન ડીપોઝીટની વ્યાજની આવક ઉપર જ ચલાવતા હોય છે તેમના માટે આ બેફામ મોંઘવારીમાં જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બનશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપના ત્રણ વર્ષના શાસનમાં લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી પર કુલ પ.૬૪ ટકાનો સર્વિસ ટેક્ષ વધારો તા.૧-૭-ર૦૧૭થી અમલમાં આવેલ જીએસટીના ભાગરૂપે સામાન્ય અને મધ્યમ વર્ગના ઈન્સ્યોરન્સ પોલીસ પ્રિમીયમ ઓછા થયા છે. કેન્દ્રમાં ભાજપ શાસનમાં આવી ત્યારે એલઆઈસી પ્રિમીયમ પર તેમજ હેલ્થ પોલિસી પર ૧ર.૩૬ ટકાનો સર્વિસ ટેક્ષ લાગતો હતો જ્યારે જીએસટી થકી સામાન્ય-મધ્યમ વર્ગના બચત પર પ.૬૪ ટકાનો સીધો વધારાનો બોજો થોપવામાં આવી રહ્યો છે. તા.૧-૭-ર૦૧૭થી આ ટેક્ષનો દર ૧૮ ટકા થયો છે. જેની સીધી અસર ભારતના ર૪ કરોડ જેટલા ઈન્સ્યોરન્સ પોલિસી ધારકો પર પડી છે. દરેક સેવિંગ પ્રિમીયમ પર ૧.૭પ ટકાથી વધારીને ર.રપ ટકા જ્યારે પ્રથમ સેવિંગ પોલિસી પ્રિમીયમ પર ૩.૭પથી વધારી ૪.પ૦ ટકા સર્વિસ ટેક્ષ નિર્ધારીત કરેલ છે. ચૂંટણી સમયે પ્રજાને ‘અચ્છે દિન’નો વાયદો કરનાર ભાજપ શાસનમાં સામાન્ય-મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની પરસેવાની કમાણી “ટેક્ષ ટેરીરીઝમ”થી લૂંટાઈ રહી છે.
ભાજપ શાસકો દ્વારા સામાન્ય-મધ્યમ વર્ગને લાઈફ ઈન્સ્યોરન્સ તેમજ અન્ય સેવિંગ્સ સ્કીમો દ્વારા મળનાર લાભ પર વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમ કે, પીપીએફ અને ઈપીએફઓ પર ૮.૮૦ ટકામાંથી ૭.૯૦ ટકા સિનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં ૯.રપ ટકાથી ૮.૪૦ ટકા, કિસાન વિકાસ પત્ર પર ૮.૭૦ ટકાથી ઘટાડી ૭.૬૦ તેમજ બેન્ક ફીક્સ થાપણો પર એકથી ત્રણ વર્ષની ફિક્સ ડીપોઝીટ પર ૯.પ૦ ટકાથી ઘટાડી ૬.રપથી ૬.૯૦ ટકા સુધીનો ઘટાડો ર૦૧૭ સુધીમાં કરવામાં આવ્યો છે. જેના લીધે લાખો બચત ધારકો અને ખાસ કરીને સિનીયર સિટીઝનો કે જેઓ પોતાના પરિવારનું ભરણપોષણ ડીપોઝીટની વ્યાજની આવક પર ચલાવતા હોય છે તેવા સંજોગોમાં જીવન જરૂરી ચીજવસ્તુમાં મોંઘવારીના મારથી અનેક પરિવારો પોતે કઈ રીતે જીવનનિર્વાહ કરશે તે મોટો પ્રશ્ન છે.