(એજન્સી) તા.રર
દેશની પ્રજાને ફરી એકવાર મોંઘવારીનો માર પડી રહ્યો છે. કર્ણાટકના લગભગ તમામ વિસ્તારોમાં સબસિડી વગરના ઘરેલુ સિલિન્ડર(૧૪.ર કિલો)ના ભાવ ૧૦૦૦ રુપિયાની આસપાસ પહોંચી ગયા છે. જોકે બિડારમાં એક સિલિન્ડર ૧૦૧પ.પ૦ રુપિયામાં વેચાઈ રહ્યો છે. બેંગ્લુરુમાં સબસિડી વગરના ઘરેલુ સિલિન્ડરને ૯૪૧ રુપિયામાં વેચવામાં આવી રહ્યો છે. મેંગ્લુરુ સિલિન્ડર ૯ર૧ રુપિયામાં વેચવામાં આવી રહ્યો છે. આવી જ રીતે હુબલીમાં ૯૬ર રુપિયા અને બેલાગવીમાં ૯પ૬ રુપિયામાં એક સિલિન્ડર ગ્રાહકોને મળી રહ્યો છે. જોકે ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં સબસિડી વગરના ઘરેલુ સિલિન્ડરની કિંમત બેંગ્લુરુમાં ૬પ૪ રુપિયા, મેંગ્લુરુમાં ૬૩૦ રપિયા અને હુબલીમાં ૬૭૦ રુપિયા જ્યારે બેલાગવીમાં ૬૬૬ રુપિયા હતી. બિદારમાં તે સમયે આ કિંમત ૭ર૧ રુપિયા હતી. ટેક્સ અને ડ્યુટી સાથે આધારમૂલ્ય ઉપરાંત બોટલિંગ પ્લાન્ટથી અંતરના આધારે એક શહેરથી બીજા શહેરમાં એલપીજી સિલિન્ડરના ભાવ અલગ હોય છે. બિદારમાં એલપીજી સપ્લાય બેલાગવી બોટલિંગ પ્લાન્ટથી થાય છે. પબ્લિક સેક્ટરની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંપૂર્ણ રાજ્યમાં એવા ૧૧ પ્લાન્ટ સ્થાપિત કરાય છે. ગેસ સિલિન્ડરના ભાવમાં આ વધારે ત્યારે થયો છે જ્યારે તાજેતરમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં ક્રમશઃ સાડા સાત રુપિયા અને ૪ રુપિયાનો ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઇએ કે ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ પેટ્રોલ-ડીઝલની જેમ દરરોજ નહીં પરંતુ મહિનામાં નક્કી કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે પેટ્રોલિયમ મંત્રાલયે ર૦૧પમાં ડીબીટી સ્કીમ લાગુ કરી હતી. આ સ્કીમ હેઠળ ગ્રાહકોને હવે ગેસ ખરીદતી સમયે સંપૂર્ણ પૈસા ચૂકવવા પડે છે. બાદમાં તેમના ખાતામાં સબસિડી જમા થાય છે. ત્રણ વર્ષ પહેલા લગભગ ૩પ૦ રુપિયામાં મળતી ગેસ સિલિન્ડરનો ભાવ હવે ૧૦૦૦ રુપિયા સુધી પહોંચી ગયો છે.