અમદાવાદ, તા.૧૪
વહેલી તકે વરસાદ અને મોનસુનની એન્ટ્રી થશે તેવી ગણતરી હવે ખોટી સાબિત થઇ રહી છે. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં વરસાદ નહીં પડે તેવી શક્યતા છે. મોનસુન મુંબઈથી આગળ વધી શક્યું નથી. ૧૫મી જૂનના દિવસે મોનસુન બેસી જશે તેવી વાત ગુજરાત માટે કરવામાં આવી હતી પરંતુ હવે આવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં આગામી પાંચ દિવસો સુધી વરસાદ નહીં પડે તેવી શક્યતા છે. પ્રિ-મોનસુનની પ્રવૃત્તિ ચોક્કસપણે જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ આવી જ બનેલી છે. બીજી બાજુ આજે મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો અને મહત્તમ તાપમાન ૪૦.૬ અમદાવાદમાં રહ્યું હતું. આજે મોટા ભાગના વિસ્તારોમાં પારો ૪૦થી નીચે રહ્યો હતો. અમદાવાદમાં મોનસુનની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે ત્યારે હજુ પણ મોનસુનની એન્ટ્રી થઇ નથી. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દિવદમણમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આંશિક વાદળછાયુ વાતાવરણ વચ્ચે ગરમી હજુ પણ લોકો અનુભવી રહ્યા છે. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. જો કે, બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદમાં પણ સવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો. હળવા વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા અકબંધ રાખવામાં આવી છે.