માંગરોળમાં ચેકડેમ છલકાયો

(તસવીર : નઝીર પાંડોર, માંગરોળ)

 

 

(તસવીરો : અયાઝ શેખ, અંકલેશ્વર)

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધુ ૧૪ ઈંચ જેટલો વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. પરિણામે સમગ્ર વાહનવ્યવહાર, ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા હતા અને શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી હતી. એ જ રીતે ડાંગ, તાપી સુરત, ભરૂચ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડતાં રસ્તાઓ પર અને રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં બસ અને ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.
વલસાડ જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ રવિવારના ૨૪ કલાક અને આજે સોમવારે બપોરે ૧૨ વાગ્યા સુધીના ૬ કલાક મળી છેલ્લા ૩૦ કલાક દરમિયાન તમામ તાલુકાઓમાં વરસાદ યથાવત રહ્યો હતો. વલસાડ શહેરમાં ગત રાત્રિ દરમિયાન ૬૩ મીમી અને આજે સવારે ૬ કલાક દરમિયાન ૨૧૦ મીમી મળી કુલ ૧૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉમરગામમાં ગતરોજ ૨૦૫ મીમી અને આજે બપોર સુધી વધુ ૧૪૩ મીમી મળી કુલ ૧૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પારડી અને વાપીમાં ૯-૯ ઈંચ, ધરમપુર અને કપરાડામાં ૬-૬ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ શહેર અને ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાતા ઠેર-ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે નેશનલ હાઈવે પર વરસાદનું પાણી ફરી વળતા અને વલસાડ રેલવે ટ્રેક પણ વરસાદમાં ગરકાવ થતા વલસાડ જિલ્લાનું જનજીવન ખોરવાયું હતું. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પગલે આજે વલસાડ શહેર-જિલ્લાની તમામ શાળા-કોલેજો અઘોષિત બંધ રહી હતી. ડાંગ જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ આહવામાં ૫૦ મીમી, વઘઈમાં ૧૦૯ મીમી, સુબીરમાં ૪૪ મીમી, સાપુતારામાં ૫૦ મીમી, વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ૩૦ કલાક દરમિયાન નવસારીમાં ૮૫ મીમી, જલાલપોરમાં ૯૩ મીમી, ગણદેવીમાં ૧૧૧ મીમી, ચીખલીમાં ૧૭૭ મીમી, વાંસદામાં ૧૭૧ મીમી અને ખેરગામમાં ૧૯૬ મીમી જેટલો વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ૩૦ કલાક દરમિયાન વ્યારામાં ૨૨ મીમી, વાલોડમાં ૮૧ મીમી, સોનગઢમાં ૨૦ મીમી, ઉચ્છલમાં ૧૨ મીમી, નિઝરમાં ૨૮ મીમી, કુકરમુંડામાં ૬મીમી અને ડોલવણમાં ૧૬૪ મીમી જેટલો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મોડી સાંજ સુધી પણ વરસાદ યથાવત હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ મનમૂકીને વરસતા સર્વત્ર ખુશીની લહેર દોડી ગઈ હતી. આજે સવારના ૬થી બપોરના બે વાગ્યા સુધી ભરૂચ તાલુકામાં ૩૧ મીમી, આમોદમાં ૩ મીમી, અંકલેશ્વરમાં ૯૦ મીમી, હાંસોટમાં ર૩ મીમી, જંબુસરમાં ૩૧મીમી, નેત્રંગમાં સૌથી વધુ ૧૮૧ મીમી, વાલિયામાં ૧૪૦ મીમી અને ઝઘડિયામાં રપ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે વાગરા તાલુકો કારોધાકોર રહ્યો હતો. ભારે વરસાદને પગલે ભરૂચ અંકલેશ્વરની અસંખ્ય સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકો સલામત સ્થળે દોડી ગયા હતા. સુરત જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ૩૦ કલાક દરમિયાન મેઘરાજાએ શહેર- જિલ્લામાં સતત હાજરી પુરાવતા સર્વત્ર ઠંડક પ્રસરી છે. બારડોલીમાં ૧૧૭ મીમી, ચોર્યાસીમાં ૨૪ મીમી, કામરેજમાં ૧૦૮ મીમી, મહુવામાં ૬૫ મીમી, માંડવીમાં ૫૩ મીમી, માંગરોળમાં ૧૫૫ મીમી, ઓલપાડમાં ૨૫ મીમી, પલસાણામાં ૯૯ મીમી, સુરત શહેરમાં ૬૯ મીમી અને ઉમરપાડામાં ૧૫૭ મીમી જેટલો વરસાદ નોંધાયો છે. સતત ત્રણ દિવસથી મેઘરાજાની હાજરીથી જિલ્લાના ખેડૂતોમાં ખુશાલી જોવા મળી છે. ભલે દસ દિવસ મોડેથી ચોમાસુ શરૂ થયું, પરંતુ વાવણીલાયક વરસાદની શક્યતા જોઈ ખેડુતોના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી. સુરત શહેરમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે રીમઝીમ વરસાદ સતત ચાલુ રહેતા હિલસ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે શહેરમાં સવારથી જ સૂર્યના દર્શન થયા નથી.
આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, નસવાડી, બોડેલી, દાહોદ જિલ્લાના દાહોદ, લીમડી, સંજેલી તથા ક્વાંટમાં વરસાદ વરસતા ક્વાંટની કારા નદીમાં પાણીની આવક થઈ હતી. ઉત્તર ગુજરાતમાં પણ હિંમતનગર, ડીસા, અરવલ્લી, પાટણ, બાયડ, ભિલોડા, મહેસાણા વગેરે વિસ્તારોમાં ભારે પવન સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી શક્યતા છે.

ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને માઠી અસર

વલસાડમાં ભારે મેઘ ખાંગા થતાં રેલવે ટ્રેક ઉપર વરસાદી પાણી ફરી વળતા મોટાભાગની ટ્રેનોનાં અવર જવર ઉપર વ્યાપક અસર પહોંચી હોવાના સમાચાર સાંપડી રહ્યા છે. મુંબઈથી અમદાવાદ જતી અને સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનો અલગ અલગ રેલવે સ્ટેસને અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ પંથકમાં દેમાર વરસાદ વરસી રહ્યા છે. ૧૧ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં રેલવે ટ્રેક અને હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યું હતું. રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા સંપૂર્ણ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. તેમજ બગવાડા ટોલનાકા પાસે ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળી રહ્યાં છે. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ ધોધમાર વરસાદને કારણે મુંબઈથી સુરત તરફ આવતી અને સુરતથી મુંબઈ તરફની તમામ ટ્રેનોને અસર થઈ છે. મોટાભાગની ટ્રેનોને વલસાડ નજીકના રેલવે સ્ટેશનો ઉપર થોભાવી દેવામાં આવી છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ ટ્રેનો હાલ તુરંત એકથી બે કલાક મોડી ચાલી રહી છે. નેશનલ હાઈવે ઉપર વરસાદી પાણીના નિકાલ માટે તંત્રે દોડધામ હાથ ધરી દીધી છે.

આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની ગઈ છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાતથી અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસમાં મધ્યમથી ભારે વરસાદ પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય બની રહેશે. આ વરસાદી સિસ્ટમ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના દક્ષિણ, મધ્ય ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્રને એલર્ટ પર રાખી દેવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ઉચ્ચ અધિકારીઓને કાર્યાલય ન છોડવા માટેના આદેશો કરવામાં આવ્યા છે. કોઈ આફતના સમયે તત્કાલ મદદ મળી રહે તે માટે એનડીઆરએફની ટીમને સુરત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર જણાશે તો વધારે મદદ પણ માંગવામાં આવશે. હાલ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયું છે.