(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૧
મહારાષ્ટ્રમાં સપાટો બોલાવ્યા બાદ મેઘરાજાએ ગુજરાત તરફ ડોળો ફેરવ્યો છે. આજે સવારથી રાજયના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ નોંધાયો હતો. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં ર૩ જૂન બાદ વરસાદ પડે તેવી શકયતા છે.
દક્ષિણ ગુજરાતના નવસારીમાં મેઘરાજાએ વિધિવત પ્રવેશ કર્યો છે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા માહોલમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો. ઉપરાંત તાપી જિલ્લામાં પણ વરસાદના ઝાપટાં પડતા ચોતરફ ઠંડક ફેલાઈ ગઈ હતી. ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે હળવો વરસાદ પડયો હતો.
સૌથી નવાઈની વાત એ છે કે ઉત્તર ગુજરાત કે જેનું આગાહીમાં કયાંય નામો નિશાન ન હતું તેના સાબરકાંઠા, અરવલ્લી, અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું તો કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા પડયા હતા આથી ઉકળાટનું પ્રમાણ વધવા પામ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો હતો. ખેડબ્રહ્મા, પોશીના સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસતા ઠંડક ફેલાવા સાથે આહલાદક વાતાવરણ સર્જાયું હતું અંબાજી પંથકમાં આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા વરસાદ પડું પડું થઈ રહ્યો હતો. પરંતુ વરસાદને બદલે ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ વધ્યો હતો. આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારે વાદળો દેખાયા હતા. વાદળિયા વાતાવરણને લીધે ભેજનું પ્રમાણ વધતા ગરમીનું જોર ઘટયું હતું આમ રાજયના જે વિસ્તારોમાં વરસાદની પધરામણી થઈ હતી ત્યાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે.