(એજન્સી) નવી દિલ્હી,તા.૧૭
યોજના આયોગ (હવે નીતિ આયોગ)ના પૂર્વ અધ્યક્ષ મોન્ટેક સિંહ અહલૂવાલિયાએ કહ્યું કે, ૨૦૧૩માં વડાપ્રધાન મનમોહન સિંહે તેમના રાજીનામા વિશે વાત કરી હતી. અહલૂવાલિયાના જણાવ્યા પ્રમાણે ૨૦૧૩માં રાહુલ ગાંધીએ અધ્યાદેશ ફાડ્યા પછી તે સમયે વડાપ્રધાન મનમોહન સિંહે પૂછ્યું હતું કે, શું તેમને રાજીનામુ દઈ દેવું જોઈએ. આ વિશે મેં વડાપ્રધાનને કહ્યું હતું કે, અત્યારે રાજીનામું આપવું યોગ્ય નથી. મનમોહન સિંહ તે સમયે અમેરિકાની મુલાકાતે હતા.
અહલૂવાલિયાએ તેમના નવા પુસ્તક ‘બેક સ્ટેજઃ ધ સ્ટોરી બિહાઈન્ડ ઈન્ડિયા હાઈ ગ્રોથ ઈયર્સ’માં આ વિશે ખુલાસો કર્યો છે. અહલૂવાલિયાએ કહ્યું છે કે, હું ન્યૂયોર્કમાં વડાપ્રદાનના પ્રતિનિધિમંડળમાં સામેલ હતો. મારો બાઈ સંજીવ (રિટાયર્ડ આઇએએસ)એ મને આ વાત જણાવવા ફોન કર્યો અને એક આર્ટિકલ પણ લખ્યો હતો. તેમાં વડાપ્રદાનની નિંદા કરી હતી. સંજીવે આર્ટિકલ ઈમેલ કર્યો હતો અને કહ્યું હતું કે, મને આ વાતની શરમ ન આવવી જોઈએ. આ આર્ટિકલની મીડિયામાં પણ ઘણી ચર્ચા થઈ હતી. અહલૂવાલિયાએ ત્રણ દશકા સુધી ભારતની આર્થીક નીતિના નિર્માતા તરીકે કામ કર્યું હતું. તેમણે તેમના પુસ્તકમાં યુપીએ સરકારની સફળતાઓ અને નિષ્ફળતાઓનો ઉલ્લેખ કર્યો હતો. અહલૂવાલિયાએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે, મેં ત્યારે પહેલુ કામ એ કરેલુ કે આર્ટિકલ લઈને વડાપ્રધાન પાસે ગયો હતો, કારણકે હું ઈચ્છતો હતો કે તેઓ આ વિશે પહેલી વાત મારી પાસેથી જ સાંભળે. તેમણે ચૂપચાપ આ આર્ટિકલ વાંચ્યો, પરંતુ કોઈ પ્રતીક્રિયા ન આપી અને અચાનક મને પૂછ્યું કે, શું મારે રાજીનામુ આપી દેવું જોઈએ? થોડી વાર વિચાર્યા પછી મેં કહ્યું કે, મને નથી લાગતું કે આ યોગ્ય સમય છે. મને વિશ્વાસ છે કે, મેં તેમને સાચી સલાહ આપી હતી.