(એજન્સી) જયપુર, તા. ૧૭
રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ૨૦૨૦ વર્ષ માટે ભારતના જીડીપી ગ્રોથ અનુમાનને ઘટાડી દીધો છે. મૂડીઝે આ અનુમાન ૬.૬ ટકાથી ઘટાડીને ૫.૪ ટકા કરી દીધું છે. તેની સાથે જ મૂડીઝે ૨૦૨૧મા જીડીપીના વૃદ્ધિના અંદાજને ૬.૭ ટકાથી ઘટાડીને ૫.૮ ટકા કરી દીધો છે. મૂડીઝે કહ્યું કે નોવેલ કોરોના વાયરસના પ્રકોપના લીધે વૈશ્વિક અર્થતંત્રમાં જે સુસ્તી આવી છે તેના લીધે ભારતના જીડીપી ગ્રોથમાં તેજીની સ્પીડ ઘટી શક છે. તેને કહ્યું કે ભારતમાં હવે કોઇપણ પ્રકારના સુધારાની આશા ઓછી મનાય છે. મૂડીઝે કહ્યું કે ૨૦૨૦ની સાલમાં જી-૨૦ દેશોની ઇકોનોમીમાં ૨.૪ ટકાનો ઘટાડો આવવાની ધારણા છે. મૂડીઝે આ વર્ષે ચીનના ગ્રોથ રેટને પણ ઘટાડીને ૫.૨ ટકા અને ૨૦૨૧ માટે ૨.૪ ટકા કરી દીધો છે. મૂડીઝે કહ્યું કે કોરોના વાયરસનો કહેર ચીનના અર્થતંત્ર માટે ખૂબ જ નકારાત્મક અસર હશે. મૂડીઝે કહ્યું કે તાજેતરના પીએમઆઇ જેવા આંકડા પરથી ખબર પડે છે કે ભારતીય અર્થતંત્રમાં સ્થિરતા આવી છે અને હાલના ત્રિમાસિકમાં સુધારો થવા લાગ્યો છે. પરંતુ અમને લાગે છે કે હવે સુધારો પહેલાંની ધારણા કરતાં ઓછી ઝડપથી થશે. આથી અમે અમારો ગ્રોથ અનુમાન ૨૦૨૦ માટે ૫.૪ ટકા અને ૨૦૨૧ માટે ૫.૮ ટકા કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાયરસના પ્રકોપથી આખી દુનિયાના અર્થતંત્ર પર અસર પડી છે. ભારત સરકારના સીએસઓ અને વર્લ્ડ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે માત્ર ૫ ટકા જીડીપી ગ્રોથ રહેવાની ધારણા વ્યકત કરી છે. ત્યાં સરકારના આર્થિક સર્વેમાં નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપી ગ્રોથ રેટ ૬-૬.૫ ટકાની વચ્ચે રહવાની ધારણા છે.