કુઢેલી, તા.ર૬
ઈન્ડોનેશિયામાં ગત જાન્યુઆરી અને આ રર તારીખે એમ ઉપરા ઉપરી બે વખત સુનામી અને જ્વાળામુખીની આપત્તિ આવેલ છે. આ પ્રાકૃતિક આપદામાં સેંકડો વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આપદામાં સહાયભૂત થવા મોરારીબાપુએ શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા હનુમાનજીની સાંત્વનારૂપે તાજેતરમાં આવેલ સુનામીમાં માર્યા ગયેલાં ૪૦૦થી વધુ લોકોના સ્વજનોને પ્રત્યેકને રૂપિયા પાંચ હજારની એટલે કે કુલ રૂા.ર૦ લાખ ઉપરાંતની તત્કાલ સહાય મોકલાવેલ છે. આ રકમ મૂળ ભારતીય અને હાલમાં ઈન્ડોનેશિયામાં રહેતા રામકથા સાથે જોડાયેલા પરિવાર દ્વારા વિતરીત થશે. ‘માનસ-ગણિકા’ રામકથા એટલે સંવેદનશીલતાની ચરમસીમા જે બહેનો ઉપેક્ષિત છે જેને સમાજ નિંદા અને નફરતથી જુએ છે તેવી બહેનોનાં પુનઃવસન માટે તેમની મજબુરીઓને અને તેમની વેદનાઓને સમાજ ઓળખી શકે તેમજ તેમના નિર્દોષ સંતાનો અને પરિવારજનો માટે નક્કર કાર્ય થઈ શકે તેવા બહુમુખી આયામ અને વિચાર સાથે ગત તા.રર-૧ર-૧૮થી અયોધ્યા ખાતે શરૂ થયેલી રામકથામાં ગઈકાલ સુધીમાં રૂા.૩ કરોડ પચાસ લાખ ઉપરાંતનું અનુદાન આપેલ છે. જે રકમ સેક્સવર્કર બહેનો માટે કાર્યરત સંસ્થાઓને સાથે રાખી તેવી બહેનોના પરિવારોના પુનઃવસન માટે ઉપયોગમાં લેવાશે.