(સંવાદદાતા દ્વારા) મહુવા, તા. ૧૬
ચિત્રકૂટ ધામ-તલગાજરડા ખાતે મોરારીબાપુની નિશ્રામાં ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનો ઉદ્‌ઘાટન કાર્યક્રમ ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ મનસુખભાઈ સલ્લાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનું વિધિવત ઉદ્‌ઘાટન મોરારીબાપુએ દીપ પ્રાગટ્ય કરી કર્યું હતું.
ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રના ઉદ્‌ઘાટન પ્રસંગે આશીર્વચન આપતા મોરારીબાપુએ જણાવેલ કે કેળવણી, શિક્ષણ, વિદ્યા શબ્દોના મૂળમાં જ્ઞાન છે અને તેનું સ્થાન ખૂબ ઊંચુ છે. જ્ઞાન હતું, છે અને રહેશે. જ્ઞાનની ગંગાને ઉપરથી નીચે લાવવાની જરૂર છે. આજના શિક્ષકની દશા સારી છે, પણ દિશા સારી નથી તેવી માર્મિક ટકોર કરી બાપુએ જણાવેલ કે શિક્ષકોની દશા સારી થવી જ જોઈએ પણ સાથોસાથ દિશા ચૂક ન થાય તે પણ અત્યંત જરૂરી છે. બ્રહ્માના ચાર મુખ સમા ગુજરાતી કેળવણી પરિષદના ચાર નવા કેન્દ્રો બન્યા છે તેની પ્રસન્નતા બાપુએ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમનો પ્રારંભ પંકજભાઈ અગ્રાવતની પ્રાર્થના બાદ. હિમાંશુભાઈ બોરીસાગરે ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનો પરિચય પોતાની આગવી શૈલીમાં આપતા જણાવેલ કે ગુજરાતી કેળવણી પરિષદને બાપુના આશીર્વાદ મળવાથી ગંગાને ગંગોત્રી મળી ગઈ. ખરા દિલથી પ્રયોગાત્મક કામ કરતા શિક્ષકોને શોધીને આ પરિષદમાં જોડવા તે અમારૂં મુખ્ય કાર્ય રહેશે.
ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ મનસુખભાઈ સલ્લાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે ગુજરાતી કેળવણી પરિષદને વ્યક્તિત્વના નહીં, પણ વિભૂતિના આશીર્વચન છે. ગુજરાતી કેળવણી પરિષદ હવે વિમાનની ભાષામાં ટેઈક ઓફની સ્થિતિમાં છે. જિજ્ઞેશભાઈ કુંચાલાએ કાર્યક્રમનું સુંદર સંચાલન કરેલ. ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રના શિક્ષકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનવ્યો હતો.