મોરબી, તા.ર
મોરબીના નટરાજ ફાટક નજીક વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે ખોડિયાર ટ્રાવેલ્સના ધંધાર્થીની સગા બે ભત્રીજા સહીત પાંચ શખ્સોએ ખુની ખેલ ખેલી ખત્રીવાડ વિસ્તારમાં રહેતા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના ખત્રીવાડ શેરી-૧માં રહેતા ધ્રુવકુમાર ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજા રૂપિયાની લેતીદેતી મામલે માથાકૂટ થઇ હતી જેના સમાધાન માટે ગતમોડી રાત્રીના બેઠક કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો બિચકાતા વહેલી સવારે નટરાજ ફાટક પાસે ધસી આવેલા સગા ભત્રીજા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા અજયસિંહ વિજયસિંહ જાડેજા દિગ્વિજયસિંહ હરીસિંહ ઝાલા મુકેશ ભરવાડ અને કુમાર વાણિયા સહીતના પાંચ શખ્સોએ ટીનુભાની કારને ફિલ્મી ઢબે આંતરી ઘાતકી હથિયારો વડે તૂટી પડ્યા હતા. જ્યાં ટીનુભાની તિક્ષ્ણ હથિયારના ઘા મારી તેની હત્યા કરવામાં આવતા સનસની મચી ગઈ હતી જ્યારે અન્ય બે શખ્સોને પણ ઇજા થઇ છે જેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા મોરબીના ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ડીવાયએસપી એલ.સી.બી અને બી.ડિવિઝન સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યા કરી ફરાર થઈ ગયેલા શખ્સોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે તો સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ફાયરીંગ પણ થયું હોવાની ચર્ચા થઈ છે સમગ્ર હત્યામાં ભત્રીજાએ કર્મચારીને રૂપિયા આપ્યા હતા. જે બાબતે કાકાએ ઠપકો આપ્યો હતો જેનો ખાર રાખી આ હત્યા થઈ હોવાનું કારણભુત હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે જો કે, સમગ્ર હત્યાની હકીકત પોલીસ તપાસ બાદ જાણવા મળશે.