(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૩૦
માળિયામિંયાણા પંથકમાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા વરસાદથી ખેતીના ઊભા પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ગતરાત્રી દરમિયાન મીની વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદથી વેજલપર રોડ પર પાણી ફરી વળ્યા હતા નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ જતા જનજીવન થંભી ગયું હતું તેમજ વૃક્ષો, દિવાલ અને વીજપોલ ધરાશાયી થયા હતા. માળિયા તાલુકામાં અવિરત વરસતા વરસાદથી ખેતરો પાણીથી લથબથ થઈ ગયા છે જેથી લીલા દુષ્કાળની દહેશત ઊભી થઈ છે તેમજ ગતરાત્રીએ વેજલપર ખાખરેચી વિસ્તારના ગામડાઓમા રાત્રે મીની વાવાઝોડા સાથે ૫ ઈંચથી વધુ વરસાદ ખાબકતા આ વિસ્તારના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે જેથી અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે મગફળી તલ કપાસ બાજરી જેવા પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેમાં મગફળી ઊભી ઉગી નીકળી છે તો તલ બાજરી કપાસ આડા પડી ગયા હોવાથી પાકમાં કાળાશ પડી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે વેજલપર વિસ્તારમાં અવિરત પણે વરસતા વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યા હતા તેમજ નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ જતા ઘરોના ફળિયામાં પાણી ઘૂસી ગયા હતા તેમજ વેજલપર ખાખરેચીના હોકળા બે કાંઠે વહી રહ્યા છે જેના કારણે તળાવો ત્રીજી વખત ઓવરફલો થયા છે આમ પંથકના અમુક ગામડાઓ બેટમાં ફેરવાયા છે જેથી જનજીવન પ્રભાવિત થયુ છે અને મેઘરાજાને ખમૈયા કરોની લોકો પાર્થના કરી રહ્યા છે.