(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૧
મોરબી જન આક્રોશ મહાસભામાં પાટીદારો સહિત વિવિધ સમાજના આગેવાનોએ હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી સુપરમાર્કેટ ભરચક વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી નિમિત્તે જનઆક્રોશ મહાસભાનું આયોજન કર્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં પાટીદારોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો તેમજ આ જાહેરસભામાં પાસના કાર્યકરો સહિત પાસના નેતા હાર્દિક પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી સમયે અવનવા નૂસખા અપનાવી ભરમાવાની કોશિશ કરશે પણ આ વખતે દરેક સમાજે સાવધ રહી જડબાતોડ જવાબ આપવા તૈયાર રહેવા હાંકલ કરી હતી અને ઉપસ્થિત તમામ પાટીદારોને સોગંધ લેવડાવી ભાજપ સરકારને ભીંસમાં લાવી ઉખેડી ફેંકી દેવાનો હૂંકાર કર્યો હતો અને આ આંદોલન આવનારી પેઢી માટે ઉપયોગી બનશે તેમજ મોરબીના તમામ જ્ઞાતિજનો અમારી સાથે છે તેવું જણાવ્યું હતું. સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે ‘એક શામ સરદાર કે નામ’ કાર્યકમમાં પાસ નેતા હાર્દિક પટેલ સહિત વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિથી સુપરમાર્કેટ ભરચક વિસ્તારમાં મેદાન સાકળું પડ્યું હતું. ખચોખચ માનવમેદની વચ્ચે સભાને ગજવી મૂકી હતી. વિશાળ સંખ્યામાં લોકો હાજર રહેતા શહેરના રોડ-રસ્તા પર ઠેર-ઠેર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. આ કાર્યકમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દેશભક્તિના ગીતો સાથે રાષ્ટ્રીય ભક્તિનો માહોલ સર્જ્યો હતો. આ કાર્યકમમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના અલગ અલગ જિલ્લાના પાસ કન્વીનરોએ હાજરી આપી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપના નેતાઓ સહિત વરૂણ રેશ્માને આડેહાથ લીધા હતા. સભાસ્થળે જય સરદારના જોરદાર નારા સાથે ઉપસ્થિત તમામ મહેમાનોને વધાવી લીધા હતા. હાર્દિક પટેલે અભૂતપૂર્વ માનવમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ૨૫-૨૫ વર્ષથી ચૂંટી ગાંધીનગરની ખુરશી પર બેસાડ્યા છે. તેને આ વખતે તેમનું સાચુ સ્થાન બતાવી દેવા હાંકલ કરી હતી.