(એજન્સી) ગુવાહાટી, તા.૩૧
આસામમાં નાગરિક સુધારા બિલ સામે ચાલી રહેલી લડાઇ રોકાવાનું નામ લઇ રહી નથી. નાગરિકતા સુધારા બિલ પર શરૂ થયેલી બબાલ વધી રહી છે. આસામ આંદોલનમાં લડતા પોતાના જીવ ગુમાવનારાઓના પરિવારવાળાઓએ બુધવારે નાાગરિક બિલ સામે વિરોધ કરીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા સ્મૃતિ ચિહ્ન પરત આપી દીધા છે. આસામ આંદોલનના પરિજનોના સંગઠન ‘એસપીએસપી’ના સભ્ય વિવાદાસ્પદ બિલના વિરોધમાં અહીં ‘ઓલ આસામ સ્ટુડન્ટ્‌સ યુનિયન’ (આસુ)ના મુખ્યાલય ‘શહીદ ન્યાસ’ખાતે એકત્રિત થયા હતા. રાજ્યની સર્વાનંદ સોનોવાલ સરકારે ૨૦૧૬ની ૧૦મી ડિસેમ્બરે એક કાર્યક્રમમાં પ્રત્યેક દિવંગત વ્યક્તિના પરિવારને પાંચ લાખ રૂપિયા અને સ્મૃતિ ચિહ્ન આપ્યા હતા. આસામ સરકાર દ્વારા ૮૫૫ લોકોને મરણોપરાંત અપાયેલા સ્મૃતિ ચિહ્નને હાથમાં લઇને પરિવારવાળાઓએ નાગરિકતા સુધારા બિલ ૨૦૧૯ને લાગુ કરવાના કેન્દ્રના પગલાના વિરોધ સ્વરૂપે સ્મૃતિ ચિહ્ન પરત કરવાનો નિર્ણય લીધો છે. સંગઠનના પ્રમુખ રાજન ડેકાએ પત્રકારોને જણાવ્યું કે નાગરિકતા બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે. આ આપણા બધા માટે શરમની વાત છે. જો આ બિલ કાયદો બને છે તો આસામ આંદોલનના ૮૦૦થી વધુ શહીદોનું બલિદાન મહત્વહીન થઇ જશે. ડેકાએ કહ્યું કે જો ૧૯૭૧ બાદ આસામમાં ઘૂસેલા હિન્દુ બાંગ્લાદેશીઓને ભારતમાં નાગરિકતા આપવામાં આવે છે તો તેમનું બલિદાન મહત્વહીન થઇ જશે. આ સ્મૃતિ ચિહ્ન આપણા માટે એક સમય સમ્માનની વાત હતી પરંતુ હવે આ મહત્વહીન છે.