ગાઝા સિટી, તા. ૧

ઇઝરાયલની દમનકારી નીતિઓ સામે ભૂખ હડતાળ પર ઉતરેલા કેદીઓને સમર્થન આપવા માટે મેડીગો જેલના ૧૦૦થી વધુ પેલેસ્ટીની કેદીઓ પણ હડતાળમાં જોડાયા હતા. આશરે ૧૬૦૦ જેટલા પેલેસ્ટીની કેદીઓ અગાઉથી જ આ લડાઇમાં સામેલ છે. આઝાજી અને સન્માન માટેની ભૂખ હડતાળના મીડિયા અધ્યક્ષ અબ્દુલ ફતાહ દોલાએ જણાવ્યું હતું કે, અમારી સાથે હવે અન્ય જેલોના કેદીઓ પણ જોડાયા છેે.  ઇન્ટરવ્યૂ દરમિયાન કેદીઓના પ્રતિનિધિ તરીકે ડોલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૩ દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા કેદીઓની સ્થિતિ સારી નથી. કેદીઓના વકીલોને તેમની મુલાકાત કરવા દેવાતી નથી. ઇઝરાયલના વહીવટીતંત્ર દ્વારા ભૂખ હડતાળ ઉતરેલા કેદીઓની સ્વાસ્થ્યની સ્થિતિ અંગે પણ દેખરેખ રખાતી નથી. તેમની સ્વાસ્થ્યની સ્થિતિ બગડી રહી છે અને દુઃખાવાની સમસ્યાઓથી પીડાઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, અયાલોન જેલના કેટલાક કેદીઓએ તો છેલ્લા ચાર દિવસથી પાણી પીવાનું પણ બંધ કરી દીધું છે. તેઓ એવી માગણી કરી રહ્યા છે કે, તેમની માગો પૂરી ન થાય ત્યાં સુધી પાણી નહીં પીવે જોકે, બીજી તરફ તેમની તબીયત લથડી રહી છે.