બ્રિસ્ટલ, તા.૮
ભારતે ત્રીજી ટવેન્ટી-ર૦ મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવી ત્રણ મેચોની સિરીઝ ર-૧થી જીતી લીધી છે. મેચ બાદ ઈંગ્લેન્ડના કપ્તાન મોર્ગને આ વાતને લઈ નિરાશા વ્યક્ત કરી કે તેની ટીમ બેટિંગમાં મળેલી સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ ગઈ. મોર્ગને કહ્યું કે, તેની ટીમ ર૦ અથવા ૩૦ રન વધુ બનાવી શકતી હતી પણ એવું થયું નહીં. તેણે કહ્યું કે, જેસન રોય અને બટલરે અમને શાનદાર શરૂઆત અપાવી પણ તેમણે જે મંચ તૈયાર કર્યું હતું અમે તેની સાથે ન્યાય કરી શક્યા નહીં. અમે ર૦-૩૦ રન ઓછા બનાવ્યા. અમે નાના મેદાન પર આનાથી વધારે સ્કોરની આશા કરી રહ્યા હતા. આશા છે કે અમે આમાંથી બોધપાઠ લઈશું અને સુધારો કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડે ૧૯૮ રનનો સ્કોર બનાવ્યો હતો પણ ભારતે ત્રણ વિકેટ ગુમાવીને જ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો.