(સંવાદદાતા દ્વારા) ધંધુકા,તા.૧૭
ધંધુકા શહેરની જીવાદોરી બની ગયેલી નર્મદાની કેનાલમાં બાલ હનુમાન મંદિર પાસે એક તરફનો સિમેન્ટના પડતા મોટો હિસ્સો ઘણા સમયથી તૂટીને પાણીમાં વહી ગયો છે. આ મોટા ગાબડા સમાન વિસ્તારમાં કેનાલ ગમે ત્યારે તૂટે તેવી સતત ભીતી સેવાઈ રહી છે. હાલ તો માટીની દિવાલના સહારે જ કેનાલ ટકી રહી છે. આ કેનાલમાં થોડા મહિનાઓ અગાઉ મેઈન્ટેનન્સના નામે ઘણા દિવસ કેનાલ બંધ કરીને ઉનાળાના સમયમાં જ નગરના લોકોને પીવાના પાણીથી વંચિત રાખી સમગ્ર કેનાલમાં પડેલા આવા ગાબડાઓ અને તૂટી ગયેલા ભાગનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. આ સમારકામ કર્યાને થોડા જ દિવસો બાદ ફરી ધંધુકા નજીક કેનાલમાં મોટા મોટા સિમેન્ટના પોપડાઓ ખરીને પાણીમાં વહી ગયા છે. લાંબા સમયથી પડેલાં પોપડાઓ બાદ પણ નર્મદા વિભગના પેટનું પાણી હલતું નથી. આ જર્જરિત થયેલો ભાગ ગમે ત્યારે મોટું નુકસાન કરી શકે તેમ છે અને કેનાલમાં મોટું ગાબડું પડવાની પુરેપુરી સંભાવનાઓ છે. અગાઉ પણ આ કેનાલમાં પડેલા આવા જ ગાબડાઓ સમયસર રીપેર ન કરાતાં કેનાલમાં ગાબડા પડ્યા હતા અને ખેડૂતોને નુકસાન થયું હતું. આમ નર્મદાની કેનાલના નબળા કામોની વારંવારની ફરિયાદો અને વારંવારના સમારકામ બાદ પણ ગણતરીના જ દિવસોમાં ફરી કેનાલમાં સિમેન્ટના પોપડાઓ ઉખડી જાય તેવી સ્થિતિ નિર્માણ થવા છતાં નર્મદા વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી અને સમારકામ પણ યોગ્ય સમયે કરવામાં આવતું નથી. જેના કારણે ગમે ત્યારે કેનાલમાં ગાબડું પડતા જ આજુબાજુના ખેતરોમાં પાણી ફેલાતા ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની પુરેપુરી સંભાવનાઓ છે. આમ કેનાલના નબળા કામ બાદ પણ કોન્ટ્રાક્ટરો પ્રત્યે કુણું વલણ રાખનાર નર્મદા વિભાગને ખેડૂતો સવાલ કરી રહ્યા છે.