(એજન્સી) બુલંદશહેર, તા. ૬
ઉત્તર પ્રદેશના બુલંદશહરના ચિંગરાવઠી ગામમાં ગત ૩જી ડિસેમ્બરે કથિત ગૌહત્યાના ઘટના બાદ ૪૦૦ લોકોના હિંસક ટોળા અને પોલીસ વચ્ચે સર્જાયેલા ઘર્ષણમાં પોલીસ ઇન્સપેક્ટર સુબોધકુમારસિંહને ગોળી મારવામાં આવી હતી. ૨૦ વર્ષીય અન્ય એક યુવકે પણ પોતાના જીવ ગૂમાવી દીધા હતા. ઘટના સર્જાયાના ૩ દિવસ બાદ બહાર આવેલી વાર્તાથી વહીવટીતંત્ર સામે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. રાજ્યના વિરોધ પક્ષો, મીડિયા અને અન્ય સામાજિક સંગઠનો ઘટના સર્જાયા બાદ આરોપીઓની ધરપકડ ન થવી, પોલીસ દ્વારા આરોપીઓના નામ છુપાવવા જેવા આરોપો મૂકી રહ્યા છે. એવું લાગે છે કે પૂર્વઆયોજિત કાવતરા હેઠળ આ ઘટનાને અંજામ આપવામાં આવી છે. આ ઘટના કારણ વગરની નથી. કારણ કે ઘટનાસ્થળેથી થોડાક સમય પહેલા ચિંગરાવઠી સ્થિત એક પ્રાથમિક સ્કૂલના શિક્ષકોના નિવેદનથી આ ઘૃણાસ્પદ ષડયંત્રની પોલ ખુલી રહી હોવાનું લાગે છે. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરી હોવા છતાં બુલંદશહરમાં સર્જાયેલી હિંસાનો પાયો પહેલાથી જ નાખવામાં આવ્યો હોવાની વાતો પર ધ્યાન આપવાનું જરૂરી છે. ચિંગરાવઠી ગામની પ્રાથમિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ૧૨-૩૦ વાગતા પહેલા ૧૧-૧૫ વાગે મધ્યાહન ભોજન આપી દેવાયું હતું.સ્કૂલના શિક્ષકોએ આપેલા કારણો સ્થાનિક પ્રશાસનની વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કરે છે. મધ્યાહન ભોજપ પીરસનાર અને રસોઇયા રાજપાલસિંહે જણાવ્યું કે અમને ભોજન વહેલા વિતરીત કરવા અને બાળકોને ઘરે મોકલી દેવાનો આદેશ મળ્યો હતો. બીજું કારણ એ છે કે સ્કૂલના શિક્ષક પ્રભારી દેશરાજસિંહે જણાવ્યું કે બેઝિક શિક્ષણ અધિકારીએ સવારે ૧૧ વાગે મેસેજ મોકલ્યો હતો કે મુસ્લિમોના ઇજતેમાને કારણે સ્થિતિ સારી લાગતી નહીં હોવાથી બાળકોને વહેલા છોડી દો. ત્રીજું કારણ એ છે કે દેશરાજસિંહે જણાવ્યું કે મેરઠના શિક્ષકોને પણ વહેલા નીકળી જવાનું કહેવાયું હતું, જેથી તેઓ ટ્રાફિક જામમાં ન ફસાઇ જાય.