અમદાવાદ,તા.રર
નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને લઈને તા.ર૪મી ફેબ્રુઆરીએ ચાંદખેડા, મોટેરામાં જનતા કરફયુ જોવા મળશે. શાળા-કોલેજો, બેન્કો અને દુકાનો બંધ રહેશે. સમગ્ર કાર્યક્રમને પગલે ચાંદખેડા-મોટેરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. જેને લીધે સમગ્ર વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ જશે.
અમેરિકી રાષ્ટપ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીનો ૨૪ ફેબ્રુઆરીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ અને રોડ શો કરવાના છે. જેને લઇ ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારના લોકો અને વેપારીઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવશે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ચાંદખેડા અને મોટેરામાં પ્રવેશવાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેથી સવારથી જ ધમધમતા ન્યુ સીજી રોડ બંધ જોવા મળશે. ન્યુ સીજી રોડ પર આશરે ૧૦ જેટલી બેન્ક, ૪ જેટલી સ્કૂલો, અનેક કોમ્પ્લેક્સમાં ટ્યુશન કલાસીસો આવેલા છે. જેને બંધ રાખવાની ફરજ પડશે. ન્યુ સીજી રોડ, મોટેરામાં રહેતા લોકોએ પણ જો શહેરમાં કે અન્ય કામથી બહાર જવું હશે તો સવારે ૮ વાગ્યા પહેલા જ નીકળી જવું પડશે.
મોદી અને ટ્રમ્પના રોડ શોને લઇ સાબરમતી પાવરહાઉસ થી ઝુંડાલ, ન્યુ સીજી રોડ, મોટેરા ગામના સ્તાઓ બંધ રહેશે જેથી સાબરમતી ટોલનાકા, વિસત ત્રણ રસ્તા, જનતાનગર, મોટેરા અને ચાંદખેડાના વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા ૨૪મી ફેબ્રુઆરીએ બંધ રાખવા પડશે જેના કારણે તેઓને એક દિવસનું નુકસાન ભોગવવાનો વારો આવશે. સવારથી સાંજ સુધીના રોજિંદા કામો અટવાઈ પડશે. સોમવારે સીબીએસઈની પરીક્ષા, ૫મી માર્ચથી બોર્ડની પરીક્ષા, સ્કૂલોનો ચાલુ દિવસ હોવા છતાં બાળકો ભણવા જઈ શકશે નહીં. તેની સાથે સાથે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને તેની પાસે આવેલી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ પણ બંધ રાખવાની ફરજ પડશે. સવારે ૮ વાગ્યાથી જ રસ્તા બંધ હોવાથી કોઈપણ સ્કૂલવાન અને બસ મોટેરા ગામ, ન્યુ સીજી રોડ કે સાબરમતી હાઇવે પર અવરજવર નહીં કરી શકે માટે તેઓએ બાળકોને લેવા આવવાની ના પાડી દીધી છે જેથી બાળકોને એક દિવસ સ્કૂલે નહીં જઈ શકે. ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના તૈયારીઓના અંતિમ દિવસોમાં ટ્યુશન ક્લાસીસમાં ૨થી ૪ કલાક ભણાવવામાં આવતું હોયુ છે પરંતુ વિદ્યાર્થીઓએ ઘરે જ રહેવું પડશે. વિસત ત્રણ રસ્તા પાસે કેન્દ્ર સરકારની ઓએનજીસી કંપનીની ઓફિસ અવની ભવન આવેલી છે. જેમાં હજારો કર્મચારીઓ કામ કરે છે, પરંતુ ૨૪મીએ રસ્તા બંધ હોવાથી આ કર્મચારીઓને સવારના ૮ વાગ્યા પહેલા વાહન સાથે અને ૮ વાગ્યાથી જ વાહન વિના નોકરીએ જવાની ફરજ પડશે. માત્ર એટલું જ નહીં, નોકરીએથી સાંજે ૪ વાગ્યા પછી જ ઘરે જઈ શકશે.