(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૧
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમ માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે છે. ટ્રમ્પના સ્વાગતમાં કોઈ કચાશ ના રહી જાય તે જોવામાં આવી રહ્યું છે, ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ માત્રને માત્ર ટ્રમ્પ માટે જ ઘડાયો હોવાની વિગતો બહાર આવી રહી છે. એટલે કે તા.ર૪મીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્‌ઘાટન થવાનું નથી, તે દિવસે “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમ જ યોજાવાનું છે અને આ બધુ ટ્રમ્પના ભવ્ય સત્કાર માટે કરાઈ રહ્યું હોવાની વિગતો બહાર આવતા નવી ચર્ચા શરૂ થવા પામી છે. ટ્રમ્પ અને મોદીની ૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને મીડિયા ટીમ સાથે પોલીસ અધિકારીઓ અને જીસીએના હોદ્દેદારોએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. જો કે ૨૪ ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે નહીં માત્ર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ જ યોજાવાનો છે. આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ સ્ટેડિયમના ઉદ્ઘાટન અંગે જણાવ્યું કે, આ કાર્યક્રમ ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટે છે સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે નહીં. આ કાર્યક્રમમાં કૈલાશ ખેર, પાર્થિવ ગોહિલ, પુરૂષોતમ ઉપાધ્યાય, કિંજલ દવે અને કિર્તિદાન ગઢવી સહિત અન્ય કલાકારો પણ પર્ફોર્મ કરશે.
મોટેરા સ્ટેડિયમમાં ૧ લાખ ૧૦ હજાર પ્રેક્ષકો વચ્ચે મોદી અને ટ્રમ્પનો ખાસ કાર્યક્રમ યોજાવાનો છે તેની સલામતી અને સુરક્ષાની સાથે સરળતાથી પ્રવેશ મળી શકે તે માટેની વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમ તૈયાર થયા બાદ સૌ પ્રથમવાર અંદરનો નજારો જોવા મળ્યો છે.આ ઉપરાંત સ્ટેડિયમની આસપાસ આવેલા પાર્કિંગ પ્લોટમાં કોર્પોરેશન દ્વારા ટોઈલેટવાન અને મેડિકલ વાન પણ મૂકી દેવામાં આવી છે.
વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર થઇ ગયું છે. અંદાજે રૂ.૮૦૦ કરોડના ખર્ચે ૬૩ એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં ૧ લાખ ૧૦ હજાર લોકો એક સાથે બેસીને ક્રિકેટની મજા માણી શકશે. મેઈન ગ્રાઉન્ડ ઉપરાંત અન્ય બે ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ જુદા જુદા પ્રકારની ૧૧ પીચ અને ૩૦૦૦ કાર, એક હજાર ટૂ વ્હીલર પાર્ક કરી શકાય તે માટે વિશાળ પાર્કિંગ બનાવ્યું છે.