અમરેલી,તા.૫
પીપાવાવ-સુરેન્દ્રનગર વચ્ચે દરરોજ મોટી સંખ્યામા માલગાડી દોડે છે. આ ઘટના પીપાવાવ સુરેન્દ્રનગર બ્રોડગેજ લાઇન પર બની હતી. પીપાવાવ પોર્ટમાંથી એક માલગાડી માલ ભરીને સુરેન્દ્રનગર તરફ જવા નીકળી હતી. આ માલગાડી જ્યારે સાવરકુંડલા-રાજુલા વચ્ચે ખડકાળા નજીક ફાટક નંબર ૫૨ પાસે પહોંચી ત્યારે ટ્રેન અચાનક બે ટુકડામાં વહેચાઇ ગઇ હતી. કારણ કે વચ્ચેથી જ માલગાડીના ડબ્બાઓ છૂટા પડી ગયા હતા. જેના કારણે પીપાવાવ પોર્ટ તરફનો ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો.
અચાનક ચાલુ ટ્રેને ડબ્બાઓ છૂટા પડી જતા અને ટ્રેન બે ભાગમાં વહેંચાઇ ગયાની જાણ થતા રેલતંત્રમા પણ અફડાતફડી મચી હતી અને તાબડતોબ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમય સુધી અહીં ટ્રેન વ્યવહાર અટકી ગયા બાદ આખરે મરામતની કામગીરી પૂર્ણ થતા પુનઃ ટ્રેન વ્યવહાર શરૂ કરવામા આવ્યો હતો. આ બનાવમાં સદનશીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.દામનગરથી રાજુલા સુધી જતી માલગાડીઓને ચઢાણનો સામનો કરવો પડે છે. હેવી લોડવાળી માલગાડીઓ અહીંથી પસાર થતી હોય ત્યારે ભૂતકાળમાં અટકી પડી હોય તેવી ઘટનાઓ પણ બની ચૂકી છે.