(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-૨ને સફળ રીતે પહોંચાડ્યા બાદ મીડિયાને સંબોધતા ઇસરોના પ્રમુખ કે સિવને કહ્યું હતું કે, મિશને મંગળવારે મોટી સિદ્ધી પ્રાપ્ત કરી લીધી છે. આશરે ૩૦ દિવસના પ્રવાસ બાદ ચંદ્ર તરફ જનારૂં ભારતનું બીજું સૌથી મોટું સ્પેસક્રાફ્ટ ચંદ્રયાન-૨ મંગળવારે સવારે ચંદ્રની કક્ષામાં સફળ રીતે પહોંચી ગયું હતું. આ સાવચેતીભર્યા અભિયાન અંગે જણાવતા સિવને કહ્યું કે, ચંદ્રયાનની તેની કક્ષા બદલવી અત્યંત મુશ્કેલ કામ હતું. ચંદ્રયાન-૨ને ચંદ્ર પર સ્થાપિત કરવા માટે સેટેલાઇટને એક નિશ્ચિત ગતિથી ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરાવવાનો હતો. જો તેની ઝડપ વધી ગઇ હોત તો તે ચંદ્રની કક્ષાથી બહાર જતુ રહ્યું હોત અને પછી ઘેરા અંતરિક્ષમાં ખોવાઇ જવાનો ભય હતો. જો સેટેલાઇટની ઝડપ ધીમી હોત તો ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ તેને પોતાની તરફ ખેંચી લેત પરંતુ ચંદ્રયાને અત્યંત યોગ્ય રીતે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ હવે ચંદ્ર પરનું અંતર યાન માટે ફક્ત ૧૮,૦૦૦ કિલોમીટર રહી ગયું છે. હવે ૨૦ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર સુધી ચંદ્રની ચાર વધુ કક્ષાઓને પાર કરવાનુું છે. ઇસરો પ્રમુખ સિવને કહ્યું કે, ચંદ્રયાન-૨ બુધવારથી ચંદ્રની ચાર કક્ષાઓને પાર કરવાનું શરૂ કરશે. બુધવારે બપોરે તે પ્રથમ કક્ષા પાર કરશે. ત્યારબાદ ૨૮ ઓગસ્ટે અને પછી ૧લી સપ્ટેમ્બરે ચોથી કક્ષા પાર કરશે. ત્યારે ચંદ્રથી તેનું અંતર ૧૮ હજાર કિલોમીટરથી ઘટીને ફક્ત ૧૦૦ કિલોમીટર રહી જશે. તેમણે કહ્યું કે ઇસરોની ખરી કસોટી હવે શરૂ થાય છે.