(એજન્સી) બાંદીપુરા, તા. ૧૦
જમ્મુ-કાશ્મીરના હાજીનથી છ કિલોમીટર દૂર આવેલા શાહગુંડ નામના નાના ગામમાં ૫૦ વર્ષના અબ્દુલ મજીદ ગફૂર પીડીપીના કાર્યકર છે અને ગાલીચાનો વેપાર કરે છે. તેમને આઠ વર્ષની બાળકી સહિત ચાર બાળકો છે. રવિવારે રાતે તેઓ ઘરની બહાર હતા અને બાદમાં નમાઝ પઢવા માટે ઘરમાં વઝુ કરવા આવ્યા. તેમણે કહ્યું કે, જ્યારે મેં નમાઝ પઢવા માટે મુસલ્લો પાથર્યો ત્યારે મારી પાછળ એક બુકાનીધારી શખ્સ આવીને મારા લમણે ગન મુકી દીધી હતી. બુકાનીધારીએ ગફૂરને કહ્યું કે, તે શા માટે રાજકારણમાં પડે છે ત્યારે ગફૂરે જવાબ આપ્યો કે, હું લોકોના ભલા માટે કામ કરૂ છું અને જો કોઇએ તને હું કાંઇ ખોટું કરી રહ્યો છું તેવી માહિતી આપી હોય તો તું જે કરવા આવ્યો છે તે કર. ગફૂરને ખબર જ નહોતી કે, આ ગનમેન પહેલાથી જ તેના ઘરમાં પ્રવેશી ચૂક્યો છે અને આશ્ચર્યની વાત એ છે કે, મારો ૧૨ વર્ષનો પુત્ર દાઉદ, આઠ વર્ષની પુત્રી નિગહત, ૧૮ વર્ષની ઇશરત અને ૨૦ વર્ષનો પુત્ર ઇશફાક ઘરમાં નહોતા.જ્યારે આ બુકાનીધારી ગફૂરની ખોટી વાતો સાબિત ન કરી શક્યો ત્યારે તેણે તે હથિયારો રાખતો હોવાનો આરોપ લગાવ્યો. તેણે આ માટે લોકરની ચાવી માગી હતી. ચાવી લઇ તેણે લોકરમાંથી ત્રણ લાખ રૂપિયા તથા પુત્રીના ઘરેણા કાઢી લીધા. ગફૂરને જ્યારે જાણ થઇ કે તે ઉગ્રવાદી નહીં પણ લુટારૂ છે તો તેમણે તેનો સામનો કરતા નાણા અને ઘરેણા મુકી દેવા કહ્યું. ત્યારે ઝપાઝપીમાં બચાવમાં તેમની પત્ની આવતા તેણે તેના ગળામાં છરીનો ઘા કર્યો.