અમદાવાદ, તા.૩
વર્લ્ડ હેરિટેઝ સિટીમાં સ્થાન પામનાર અમદાવાદમાં અનેક સંરક્ષિત ઈમારતો આવેલી છે. જેની જાળવણીની સૌ પ્રથમ જવાબદારી તંત્રની છે, પણ તંત્ર દ્વારા જ કાયદા અને નિયમોનો ભંગ કરી આવી સંરક્ષિત ઈમારતોને નુકસાન પહોંચે તેવું કામ કરવામાં આવે તો કોને કહેવું ? વળી તંત્ર દ્વારા જ આવું કામ થતું હોય તો અન્ય લે-ભાગુ અને સ્વાર્થી તત્ત્વો પાસેથી તો શી અપેક્ષા રાખવી ? અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ઐતિહાસિક શાહી મસ્જિદ (એક સફ કી મસ્જિદ/છોટે પત્થર કી મસ્જિદ)ના ૧૦૦ મીટરના વિસ્તારમાં ભારતીય પુરાતત્ત્વ ધારાનો ભંગ કરી ગેરકાયદેસર રીતે ભૂગર્ભ ગટરલાઈનના નામે ખોદકામ કરી કામ શરૂં કરાયું છે. જેના કારણે આસપાસની ઈમારતોને અસર થઈ શકે છે. ખાસ કરીને સંરક્ષિત ઈમારતને, ત્યારે આ અંગે લાગતા વળગતા રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લેખિતમાં રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી ના કરાતાં અરજદાર દ્વારા હાઈકોર્ટમાં ઁૈંન્ કરવામાં આવી છે. અમદાવાદ પાલડી ખાતે દ્ગૈંડ્ઢની નજીક શાહી મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ નજીક ૧૦૦ મીટરના વિસ્તારમાં મસ્જિદની એક તરફના આગળ અને પાછળના ભાગમાં ભૂગર્ભ ગટરલાઈનના નામે ખોદકામ કરાઈ રહ્યું છે અને જ્યાં હાલ પણ કામગીરી થઈ રહી છે, ત્યારે શહેરના એક જાગૃત નાગરિક મુનાફ અહેમદ દ્વારા આ અંગે ભારતીય પુરાતત્ત્વ વિભાગ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, રાજ્યના મુખ્યમંત્રી, સાંસ્કૃતિક વિભાગ દિલ્હી, અમદાવાદ પોલીસ કમિશનર, તેમજ અધિક્ષક પુરાતત્ત્વવિદ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ, વડોદરા મંડળ સહિત રાજ્ય-કેન્દ્રના જે તે સંલગ્ન વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં ખોદકામ અને બાંધકામ સહિતની કામગીરી ચાલુ રહેતા અરજદાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સામે મેળાપીપણાનો આરોપ-આક્ષેપ લગાવાયો છે. જો કે, આ કાર્યવાહી મામલે નોટિસ આપવા છતાં કામગીરી બંધ થઈ નથી. અત્રે નોંધનીય છે કે, એક તરફ અમદાવાદ શહેરને હેરિટેઝ સિટી જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આવી સંરક્ષિત ઐતિહાસિક ઈમારતની નજીક જ ભૂગર્ભ ગટરના નામે જે ખોદકામ અને કામગીરી થઈ રહી છે, તે પુરાતત્ત્વ ધારાનો ભંગ કરે છે, જ્યારે આટ-આટલી રજૂઆતો કર્યા પછી પણ આ ગેરકાયદેસર ખોદકામ સહિતની કામગીરી ચાલુ રહેતા અધિકારીઓની મિલી-ભગતની સંડોવણી તથા નાણાકીય આપ-લેની શંકા વ્યક્ત કરાઈ રહી છે. કેમ કે, જો આમાં અધિકારીઓની કોઈ ભૂમિકા નથી તો જેની જવાબદારી આવી ઈમારતોની જાળવણીની છે, તે અધિકારીઓ કાયદાનો, પુરાતત્ત્વ ધારાની કલમનો ઉપયોગ કરી શા માટે કાયદાકીય કાર્યવાહી કરતા ખચકાય છે ? જો આવી જ રીતે ચાલતું રહેશે તો શહેરની ઐતિહાસિક ઈમારતોની આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરતા લોકોને અટકાવી શકાશે નહીં. આ બનાવમાં જે રીતે અરજદારની રજૂઆત તરફ ધ્યાન નથી અપાયું, તે જોતા કાયદા કરતા વ્યક્તિની તાકાત તથા નાણાંનું જોર વધુ હોય, તેવી શંકા ઉપજે છે. આ ગેરકાયદેસર ખોદકામ ચાલુ રહેતા અરજદાર મુનાફ અહેમદ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે, ૮મી જુલાઈએ આ કેસમાં સુનાવણી રાખવામાં આવી છે, ત્યારે ન્યાય પ્રક્રિયા તો એનું કામ કરશે જ. પણ આવા મુદ્દાઓ અંગે આપણે કયારે જાગૃત બનીશું ? કે પછી હેરિટેઝ સિટી અમદાવાદનો જન્મદિવસ ઉજવીશું. બાકી બધુું ભૂલી જઈશું !!!