(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ હટાવવામાં આવ્યા બાદથી તેના વિશે નિવેદનબાજીનો સિલસિલો ચાલુ છે. મોટા ભાગના વિરોધ પક્ષો મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કરતા દેખાય છે. જ્યારે જમ્મુ અને કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવવાની રીતથી નોબેલ પુરસ્કાર વિજેતા અને અર્થશાસ્ત્રી અમર્ત્યસેન પણ સહમત નથી. અમર્ત્યસેને કહ્યું કે તેમને લાગતું નથી કે કાશ્મીરમાં લોકતંત્ર વગર કોઇ સમાધાન હોઇ શકે છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના નિર્ણય અંગે અર્થશાસ્ત્રીએ કહ્યું કે સરકારના નિર્ણયમાં ઘણી ઉણપો છે. તેમણે એવું પણ કહ્યું કે એક ભારતીય તરીકે તેમને આ વાતનો ગર્વ નથી. ભારતે દુનિયાના લોકતાંત્રિક દેશોમાં સ્થાન મેળવવા માટે ઘણુ બધું કર્યું હતું. ભારત બિન-પશ્ચિમી દેશો બાદ પ્રથમ એવો દેશ હતો જ્યાં લોકશાહી વ્યવસ્થા લાગુ કરવામાં આવી પરંતુ હવે સરકારે જે પગલું ભર્યું છે, તેનાથી દેશની છબીને હાનિ પહોંચી છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક નેતાઓને નજરકેદ કરવાના સરકારના નિર્ણય અંગે અમર્ત્યસેને જણાવ્યું કે મને લાગતું નથી કે લોકોના નેતાઓની વાત સાંભળ્યા વગર તટસ્થ ન્યાય થઇ શકે છે. જો તમે નેતૃત્વ કરનાર અને ભૂતકાળમાં સરકારની રચના કરનારા નેતાઓને નજરકેદમાં રાખશો અને ઘણાને જેલોમાં નાખશો તો, આવી રીતે તમે લોકતંત્રની ચેનલને અવરોધવાનું કામ કરી રહ્યા છો. લોકતંત્રની સફળતા માટે આ ચેનલ જરૂરી છે. સેને કહ્યું કે આ કંઇક એવું છે જેમાં કાશ્મીરીઓનો પોતાનો એક દ્રષ્ટિકોણ છે કારણ કે આ તેમની જમીન છે.ું