(એજન્સી) તા.પ
દેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા માટે જમિયત ઉલેમા-એ-હિન્દની વર્કિંગ કમિટીની મુખ્ય બેઠક થઈ. બેઠકના મુખ્ય મુદ્દાઓમાં બાબરી મસ્જિદ, આસામ નાગરિકતા અને હાલમાં આડે દિવસ થઈ રહેલી મોબલિંચિંગ રહી. બેઠકમાં મૌલાના અરશદ મદનીએ મોબલિંચિંગ પર લઘુમતી સમુદાય ખાસ કરીને મુસ્લિમ અને દલિત સમુદાય પર થઈ રહેલા હુમલાઓ પર જણાવ્યું કે, હાલમાં સ્થિતિ વિભાજનના સમયથી પણ ખરાબ અને ખતરનાક થઈ ચૂકી છે અને આ બંધારણના વર્ચસ્વને પડકાર તેમજ ન્યાય વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિન્હ છે. ઝારખંડ હાલમાં ભારતમાં મોબલિંચિંગની એક શરમજનક પ્રયોગશાળા બની ચૂકયું છે અને અત્યાર સુધી ૧૯ નિર્દોષ લોકો તેનો શિકાર થઈ ચૂકયા છે જેમાં ૧૧ મુસ્લિમ સમુદાય તેમજ અન્ય દલિત સમુદાયથી સંબંધિત છે. તેનાથી પણ ચિંતાની વાત એ છે કે, સુપ્રીમકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં માનવતા અને ભાઈચારા પર આ કૃત્ય રોકાવાનું નામ લઈ રહ્યું નથી જ્યારે માનનીય સુપ્રીમકોર્ટે પોતાના ૧૭ જુલાઈ ર૦૧૮ના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ પોતાના હાથમાં કાયદો લઈ શકતો નથી અને કેન્દ્ર સરકારે આવી ઘટનાઓ રોકવા માટે સંસદમાં સખ્ત કાયદા બનાવ્યા પરંતુ અત્યાર સુધી આ પ્રકારની ઘટનાઓ આડે દિવસે થતી રહી છે. સુપ્રીમકોર્ટના આ આદેશ પછી અત્યાર સુધી લગભગ પ૬ લોકો મોબલિંચિંગના શિકાર થઈ ચૂકયા છે પરંતુ દુઃખદ એ છે કે, અત્યાર સુધી માનનીય ગૃહમંત્રી દ્વારા રાજ્યોને આ સંબંધમાં સૂચના આપ્યા પછી પણ આવી ઘટનાઓ રોકાતી નથી. મૌલાના અરશદ મદનીએ જણાવ્યું કે, જમિયત ઉલેમા-એ-હિન્દ આ ઘટનાઓની વિરૂદ્ધ સુપ્રીમકોર્ટમાં પોતાની લડાઈ લડશે અને ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી ચૂકી છે. તેની સાથે જ દરેક પીડિત પરિવારની સાથે જમિયત મદદ માટે ઊભું છે. મૌલાનાએ કાશ્મીર સમસ્યા પર એક માત્ર ઉકેલ પરસ્પર વાતચીત અને પરસ્પર ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો છે. ટ્રિપલ તલાક મુદ્દા પર જમિયતે જણાવ્યું કે, ભારતના બંધારણમાં આપેલા અધિકારો હેઠળ મુસ્લિમોના ધાર્મિક તેમજ પારિવારિક મામલાઓમાં સરકાર અથવા સંસદને દખલ આપવાનો અધિકાર નથી કારણ કે ધાર્મિક આઝાદી આપણે મૂળભૂત હક છે. જેનો ઉલ્લેખ બંધારણની કલમ રપથી ર૮માં કરવામાં આવ્યો છે માટે મુસ્લિમ એવો કોઈપણ કાયદો જેનાથી શરિયતમાં હસ્તક્ષેપ થાય છે સ્વીકાર નહીં કરે. મૌલાના મદનીએ જણાવ્યું કે, મુસ્લિમ સમુદાય સિવાય ૬૮ ટકા તલાક બિન મુસ્લિમમાં થાય છે અને ૩ર ટકા તમામ સમુદાયોમાં પરંતુ સરકારનું આ બેવડું વલણ સમજની બહાર છે. એનઆરસીના મુદ્દા પર જમિયતે સુપ્રીમકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. જેમાં નાગરિકતા સાબિત કરવાનો સમય ૧પ દિવસથી વધારીને ૩૦ દિવસ કરવામાં આવશે. બાબરી મસ્જિદ મુદ્દા પર જમિયતે જણાવ્યું કે, કાયદા તેમજ પ્રમાણ મુજબ સુપ્રીમકોર્ટ જે પણ નિર્ણય આપશે અમે તેને સ્વીકારીશું અને કોર્ટના નિર્ણયનું સન્માન કરીશું.