ભાવનગર, તા.૩૧
સુન્ની દા’વતે ઈસ્લામી ભાવનગરની શાખા દ્વારા બે દિવસીય સુન્ની ઈજતેમા શહેરના મૌલાના શાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં અમીરે સુન્ની દા’વતે ઈસ્લામી હઝરત મૌલાના મોહંમદ શાકીર રીઝવી મુંબઈવાળા, સૈયદ અમીનુલ કાદરી બાપુ માલેગાંવવાળા, સૈયદ મોમીનબાપુ અમીપરા મસ્જિદના પેશઈમામ, હઝરત કારી મોહંમદ રીઝવાનખાન મુંબઈવાળા સહિતના મશહૂર આલીમો અને મૌલાના સાહેબોએ ઈસ્લાહી તકરીર ફરમાવી હતી. શનિવારે બહેનો માટે અને રવિવારે ભાઈઓ માટે ઈજતેમાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તકરીર, ર્ઝિક્ર શરીફ, સામૂહિક દુવા, ન્યાઝ તેમજ તમામ નમાઝના કાર્યક્રમના સ્થળે જ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર ઉપરાંત તાલુકા મથકમાંથી અને અન્ય જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઈજતેમામાં હઝરત સૈયદ અમીનુલ કાદરી બાપુ માલેગાંવવાળાએ બ્યાન ફરમાવ્યું હતું કે, અઝાન તે અલ્લાહની દાવત છે જે મોમીન અઝાન સાંભળીને નમાઝ અદા કરી લે છે તે સાચો નમાઝી અને મોમીન છે. કોઈપણ ભોગે નમાઝ ન છોડો, નમાઝ કાયમ કરો. ઈન્સાનને નમાઝ જ તમામ બુરાઈઓ અને ગુનાહથી બચાવે છે.
તે જ રીતે અમીરે સુન્ની દા’વતે ઈસ્લામી હઝરત મૌલાના મોહંમદ શાકીર સાહેબે ઈસ્લાહી તકરીર ફરમાવતા જણાવ્યું હતું કે, નમાઝ ખુદાને રાજી રાખવા માટે, સાચા દિલથી અને સારી રીતે પઢો, નમાઝ પઢવામાં જલ્દી ના કરો અને ફક્ત ફોર્માલિટીવાળી કે દુનિયાને દેખાડવા માટેની નમાઝ ના પઢો, અલ્લાહને રાજી રાખવા નમાઝ કાયમ કરો, નમાઝ એ રીતે પઢો કે ખુદા તમને જોવે છે, અને તમે ખુદાને જોવો છો, નમાઝ પઢતી વેળાએ આજુબાજુમાં શું બને છે તે તરફ પણ ધ્યાન ન આપો, નમાઝમાં જે કુર્આનની આયાત પઢો છો તેનો અર્થ સમજી લો અને કુર્આનની તાલીમ મેળવો.
હઝરત મૌલાના શાકીર સાહેબે વધુમાં કહ્યું હતું કે, કેટલાક નમાઝીઓ તેવા પણ છે કે જે ફક્ત પાંચ સમયની નમાઝ પઢે છે પરંતુ સાથો સાથ ખોટું બોલે છે, અપશબ્દો બોલે છે, બીજા સાથે લડાઈ ઝઘડો કરે છે, બેઈમાની કરે છે અને ગુનાના કામો પણ કરે છે, તે વ્યાજબી નથી કામયાબ અને સફળ ઈન્સાન તે જ છે જે સાચો પંચગાના નમાઝી હોય, નેક ઈન્સાન હોય અને પોતાના ખુદાનો શુક્ર ગુજાર બન્દો હોય.
શાકીર સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, બેશક તમે તમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવો, ઈંગ્લીશ મીડિયમમાં ભણાવો પણ સાથો સાથ ઈસ્લામી તાલીમ આપો, કુર્આને હાફીઝ અને નેક નમાઝી બનાવો જેથી તમારૂં બાળક ખોટા માર્ગે ન જાય આ ઈજતેમામાં તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, સુન્ની દા’વતે ઈસ્લામી દ્વારા ભાવનગર શહેરમાં શાળા શરૂ કરવામાં આવશે તે માટેની જમીન પણ લેવાઈ ગઈ છે. આ ઈજેતેમાના કાર્યક્રમને સફળ બનાવવા સુન્ની દા’વતે ઈસ્લામી ભાવનગર શહેર જિલ્લાના મુબલ્લીગો અને મુસ્લિમ સમાજના આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી.