ઇસ્લામાબાદ,તા.૨૫
વડાપ્રધાન ઇમરાન ખાનના રાજીનામા પર અડગ રહેલા મૌલાના ફઝલ-ઉર-રહમાનને મનાવવાના પ્રયાસો નિષ્ફળ પુરવાર થઈ રહ્યા છે. રહમાનની ’આઝાદી માર્ચ’ને રોકવા માટે સરકાર અને સેના એડીચોટીનું જોર લગાવી રહી છે. મૌલાના સાથે વાતચીત માટે ઇમરાન ખાને મંત્રીઓની કમિટિ બનાવી છે. આ કમિટિ આજે સાંજે મૌલાના સાથે ચર્ચા કરશે. પરંતુ મૌલાનાએ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે, કમિટીમાં સામેલ મંત્રી જો વાતચીત માટે આવે છે તો તેમના બીજા હાથમાં વડાપ્રધાનનું રાજીનામું હોવું જોઇએ. ગુરુવારે રહમાને આર્મી ચીફ સાથે મુલાકાત કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ગુરુવારે મોડી રાત્રે ઇમરાને મંત્રીઓની કમિટિ બનાવી હતી. આ કમિટિ શુક્રવારે સાંજે મૌલાના સાથે વાતચીત કરી શકે છે. મૌલાના આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વાતચીત કરવામાં મને કોઈ વાંધો નથી. તમામ મંત્રીઓનું સ્વાગત છે. તેઓ આવી શકે છે પરંતુ બીજા હાથમાં વડાપ્રધાન ઇમરાન ખાનનું રાજીનામું જરૂર સાથે લઇને આવે. તેના વગર કોઇ વાતચીત નહીં થાય.
મૌલાનાની આઝાદી માર્ચમાં નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટીઓ પણ સામેલ થશે. મૌલાનાએ શુક્રવારે જણાવ્યું હતું કે, અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. એક તરફ સરકાર ચર્ચા કરવાની વાત કરે છે અને બીજી બાજુ કટોકટી અને માર્શલ લો જેવી સ્થિતિ સર્જે છે. કાશ્મીરીઓ સાથે પણ ઇમરાને છેતરપિંડી કરી છે. તેમનાથી કોઇ આશા રાખી શકાય નહીં કેમકે તે ઇલેક્ટેડ નહીં પરંતુ સિલેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર છે.
મંત્રી વાતચીત માટે આવે તો સાથે ઇમરાનનું રાજીનામું લઇને આવે : મૌલાના ફઝલ

Recent Comments