(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા ભયંકર ત્રાસવાદી હુમલાને પગલે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજજો ભારતે પાછો ખેંચી લીધો છે. વંદે ભારત એક્સપ્રેસ લોન્ચ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ ત્રાસવાદી હુમલા માટે જવાબદારને સખતમાં સખત સજા કરવામાં આવશે. ભારતે પાકિસ્તાન સામે આક્રમક રાજદ્વારી પગલા ભરવાની શરૂઆત કરી છે. પાકિસ્તાને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેવાથી બંને દેશો વચ્ચે થતા વેપાર પર ભારે અસર થશે. એક અનુમાન મુજબ બંને દેશો વચ્ચેના ૧૪ હજાર કરોડ રૂપિયાથી વધુના વેપાર પર તેની અસર થશે.
મીડિયાને સંબોધતા નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજજો પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુલવામામાં ગુરૂવારે સીઆરપીએફના જવાનો પર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલા અંગે ચર્ચા કરવા અને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠક યોજવામાં આવી હતી. સીસીએસની બેઠકમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. જેટલીએ એવું પણ જણાવ્યું કે પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય સમુદાયમાં સંપૂર્ણપણે અલગ પાડી દેવાની ખાતરી કરવા માટે વિદેશ મંત્રાલય દ્વારા શક્ય બધા રાજદ્વારી પગલાં ભરવામાં આવશે. દરમિયાન, પાકિસ્તાને પુલવામાના ત્રાસવાદી હુમલામાં તેની સંડોવણીનો ધરાર ઇનકાર કર્યો છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પુલવામા હુમલાની તપાસ કરવા માટે એનઆઇએની ટીમને શ્રીનગર રવાના કરી દેવામાં આવી છે.