જામનગર તા. ૧૪
જામનગરના સાધના કોલોનીમાં રહેતા બે ગરાસીયા બંધુઓને ત્યાં કામધંધો કરવા ધ્રોલથી આવેલા ભત્રીજાએ કામમાં મદદ નહીં કરતા ચકમક ઝર્યા પછી ગઈકાલે બંને કાકાઓએ ધોકા વડે ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. દોડી આવેલા મૃતકના માતાની ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી બંને આરોપીઓના સગડ દબાવ્યા છે.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા એલ-૩૦ નંબરના બ્લોકમાં ૩૨૬૫ નંબરના ઓરડામાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની ગઈકાલે સાંજે પોલીસને કોઈએ જાણ કરતા સિટી ‘એ’ ડિવિઝનના પીઆઈ એસ.એચ. રાઠવા તેમજ સિટી ડીવાયએસપી એ.પી. જાડેજા સહિતનો પોલીસ કાફલો ધસી ગયો હતો.
સ્થળ પર પહોંચેલી પોલીસે રૃમ કે જેને બહારથી આગળીયો મારેલો હતો તે રૃમ ખોલાવી અંદર ચકાસણી કરતા જમીન પર એક યુવાનનો મૃતદેહ જોવા મળ્યો હતો. પોલીસે આ યુવાનની ઓળખ મેળવવા આડોશી પાડોશીને બોલાવી પુછપરછ કરતા આ યુવાનનું નામ મહાવીરસિંહ ભાવસિંહ રાઠોડ (ઉ.વ. ૨૦) હોવાનું જાણવા મળ્યું હતું. તે દરમ્યાન કોઈએ મૃતકના માતા ગુલાબબા ભાવસિંહ રાઠોડને જાણ કરતા ધ્રોલમાં ત્રિકમદાસ સોસાયટીમાં રહેતા આ મહિલા પણ જામનર દોડી આવ્યા હતાં.
આ મહિલા આવ્યા તે દરમ્યાન પોલીસે સ્થળ પંચનામુ કરવા ઉપરાંત મૃતક યુવાન સાથે કોણ રહે છે તેની તપાસ હાથ ધરતા આ યુવાન સાથે તે જ રૃમમાં રહેતા તેના જ બે કાકા વિક્રમસિંહ નારૃભા રાઠોડ અને દોલુભા નારૃભા રાઠોડ ગુમ જણાઈ આવ્યા હતાં. ત્યારે જ આવી પહોંચેલા મૃતકના માતાએ જુવાનજોધ પુત્રના મૃતદેહને નીહાળી કરૃણ આક્રંદ વચ્ચે પોતાના પુત્રને તેના બંને કાકાઓ સાથે કામધંધો કરવા માટે જામનગર રહેવા મોકલ્યો હોવાની વિગત આપી હતી. જામનગરમાં ફ્રૂટનો વેપાર કરતા વિક્રમસિંહ તથા દોલુભા સાથે કામ કરવા આવેલો મહાવીરસિંહ કાકાઓને મદદ કરતો ન હોય અને અન્ય પણ કોઈ કામધંધો કરતો ન હોય ઉશ્કેરાટમાં આ કૃત્ય થયાની આશંકાથી આગળ વધેલી પોલીસે કેસના તાણાવાણા મેળવ્યા હતાં.
થોડા દિવસોથી મૃતક મહાવીરસિંહને કાકા વિક્રમસિંહ તથા દોલુભા કામધંધો કરવા માટે કહેતા હતાં તેમ છતાં મહાવીરસિંહ માનતો ન હોય ગઈકાલે બપોરે બંને કાકાઓએ એકસંપ કરી ધોકા વડે ભત્રીજા પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધાની વિગત બહાર આવી છે. પીઆઈ રાઠવાએ મૃતકના માતા ગુલાબબા રાઠોડની ફરિયાદ પરથી તેમના પુત્રની હત્યા નિપજાવવા અંગે તેમના જ બે દિયર સામે આઈપીસી ૩૦૨, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે અને આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.