(એજન્સી) શાહજહાંપુર, તા.૯
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રોશનલાલ વર્માના પુત્ર મનોજ વર્મા પર દુષ્કર્મનો આરોપ મૂકનારી મહિલાએ બુધવારે દાવો કર્યો હતો કે તેને મોતની ધમકીઓ મળી રહી છે. રોશનલાલ એ શાહજહાંપુરના તિલ્હાર મતદાર ક્ષેત્રના ધારાસભ્ય છે.
પીડિતાના વકીલ અવધેશ સિંઘના જણાવ્યા અનુસાર, અચાનક પીડિતાના ઘરમાં ગુંડાઓ ધસી આવ્યા હતા અને તેમણે પીડિતાને પોતાની ફરિયાદ પાછી ખેંચવાનું જણાવ્યું હતું અને જો તે ફરિયાદ પાછી નહીં ખેંચે તો તેણીને જાનથી મારી નાંખવામાં આવશે. પીડિતા, છેલ્લા પાંચ વર્ષથી ન્યાયની ભીખ માગી રહી છે અને તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આરોપીઓની વિરૂદ્ધ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવાની વિનંતી કરી છે.
ઉન્નાવ રેપ કેસમાં કથિતરૂપે ભાજપા નેતા કુલદીપ સિંઘ સેંગરની સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ આ ઘટનાનો ખુલાસો થયો છે. આ ઘટનાએ લોકોનું ધ્યાન ત્યારે ખેંચ્યું કે જ્યારે પીડિતાએ યુપીના સીએમ યોગીના આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો.