જૂનાગઢ, તા.૧૮
ગીરના સિંહો ઉપરની ઘાત ટળવાનું નામ લેતી નથી. તાજેતરમાં ગીર પૂર્વ વનવિભાગમાં રોગચાળો ફાટી નીકળતા ૩૧ સિંહોનું એક જૂથ સાફ થઈ ગયું હતું. હવે, આ ઘટનામાં ઉમેરો કરતા ગતરાત્રીના બનેલી ઘટનામાં ધસમસતી ગુડ્‌ઝ ટ્રેન હેઠળ કપાઈ જવાથી ત્રણ સિંહોના કરૂણ મોત નિપજતા પ્રકૃતિ પ્રેમીઓમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનાએ વધુ એકવાર સિંહોના સંરક્ષણ માટેના સરકાર અને વનવિભાગના દાવાઓને ખોખલા સાબિત કરી દીધા છે. પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા નજીક આવેલા બોરાળા ફાટક પાસે બનેલી ઘટનામાં ૬ સિંહોનું એક જૂથ ગતરાત્રિના ટ્રેક નજીક ફરી રહ્યું હતું ત્યારે ગુડ્‌ઝ ટ્રેનની હડફેટે આવી જવાથી ત્રણ સિંહોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ગતરાત્રીના ૧.૪પ કલાકે બોટાદથી પીપાવાવ તરફ જઈ રહેલી ગુડ્‌ઝ ટ્રેન સાવરકુંડલા નજીક આવેલ બોરાળા ગામ નજીકથી પસાર થઈ હતી, ત્યારે ૬ જેટલા સિંહનું ટોળું રેલવે ટ્રેક પાસેથી પસાર થઈ રહ્યું હતું. તેમાંથી ત્રણ સિંહો રેલવે ટ્રેનની હડફેટે આવી જતા ત્રણેય સિંહના મોત નિપજ્યાનું જાણવા મળેલ છે. આ ત્રણેય સિંહના મૃતદેહોને આજે વહેલી સવારે વન વિભાગ એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરવા ખસેડાયાનું જાણવા મળેલ છે. વારંવાર પીપાવાવ રેલવે લાઈન ઉપર સિંહ કપાઈ જવાની ઘટનાના પગલે વન્ય પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ માલગાડી હેઠળ કપાઈ જવાના વિવિધ બનાવમાં ૧ર સિંહોના મોત થયા હતા. ત્યારે ગુડ્‌ઝ ટ્રેનની ઝડપ ૧૦૦ કિમી ઘટાડીને ૪૦ કિમી કરવાની માગણી કરવામાં આવી છે પરંતુ તેનો અમલ થઈ રહ્યો નથી, તેવું જાણવા મળે છે. કપાઈ ગયેલ ત્રણ સિંહો પૈકી ૧થી ર વર્ષના બે નર તથા ૧ સિંહણ મળી કુલ ૩ સિંહ રેલવે ટ્રેનની હડફેટે આવી જતા આ ત્રણેય સિંહોને ગંભીર ઈજા થતા મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા આજે વહેલી સવારે વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.