(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૪
શહેરના નારોલ-વિશાલા વચ્ચે આવેલ આરવી ડેનિમ ફેકટરી સામે ગેરેજ ચલાવતા આશાસ્પદ યુવાનનું આઠ દિવસ અગાઉ બોલેરો ચાલકો ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયા હતા છેલ્લા એક સપ્તાહથી મોત સામે ઝઝુમ્યા બાદ આ યુવાનનું મોત નીપજતા તેમનો પરિવાર નિરાધાર બની ગયો છે.
શહેરના વટવા વિસ્તારમાં રહેતા અને નારોલ-વિશાલા રોડ પર ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ફખરૂદ્દીન ફઝલુભાઈ શેખ (ઉ.વ.૪૦) ગત ૧ રમઝાનના રોજ કામકાજ પતાવી ઘર તરફ જતા હતા. ત્યાં જ પુરપાટ ઝડપે પસાર થતી બોલેરો ગાડીના ચાલકે ટક્કર મારતા ફખરૂદ્દીનને બંને હાથે પગે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગેની જાણ થતા ગોમતીપુર વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખ તુરત જ હોસ્પિટલ દોડી ગયા હતા. જયાં તેમની ત્વરીત સારવાર શરૂ કરાવી હતી. પરંતુ એક સપ્તાહ સુધી જીવન સાથે સંઘર્ષ ખેલ્યા બાદ ફખરૂદ્દીન શેખ રમઝાનના પવિત્ર માસમાં અલ્લાહને પ્યારા થઈ ગયા હતા. આ અકસ્માતના બનાવ અંગે નારોલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખે જણાવ્યું છે કે અકસ્માતના એક સપ્તાહ સુધી નારોલ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા મૃતકના પરિવારજનો અને સંબંધીઓ આજરોજ નારોલ પોલીસ સ્ટેશનમાં ઉમટી પડયા હતા અને જણાવ્યું હતું કે પોલીસને બોલેરો ગાડીનો નંબર આપ્યો હોવા છતાં હજી સુધી ચાલકની ધરપકડ કરી નથી. આથી જયાં સુધી બોલેરો ચાલકની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે મરનારની લાશ સ્વીકારીશું નહી આમ લોકોના ટોળા ઉમટી પડતા પોલીસ દોડતી થઈ હતી.
દરમ્યાન ફખરૂદ્દીન શેખના મોતથી તેમની પત્ની અને સગીર બાળકોના માથે આભ તૂટી પડયું છે. રમઝાન માસમાં જ પત્નીએ પતિ અને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર નિરાધાર થઈ ગયો છે.