નડિયાદ,તા.૩૦
નડિયાદ ખોડીયાર ગરનાળા પાસે આવેલ વિશ્વાસ વેલ્ડીંગની દુકાન બહાર પ્રેમિકાના જ પતિને ઉપરાછાપરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી હત્યારા આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદના નવા ગાજીપુરમાં નૌસાદમિયાં હુસેનમિયાં મલેક કડિયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની સાથે તેમના ઘરની સામે રહેતા અબ્દુલ કાદર કાળુમિયાં મલેકને પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. અબ્દુલ કાદર કુંવરો છે જયારે સાહિનબીબીને બે બાળકો છે છતાં તેની સાથે અબ્દુલ કાદર આડા સંબંધ રાખતો હતો. આ વાતની જાણ નૌસાદમિયાં મલેકને થઈ હતી જેથી તેણે પ્રથમ તેની પત્નીને ટકોરી હતી. તેમજ આવા સંબંધ તોડી પાડવા જણાવ્યું હતું. પરંતુ તે છતાં આ સંબંધ ચાલુ રાખ્યા હતા.
નૌશાદમિયાં મલેક ગત રાત્રીના ૯ કલાકે અબ્દુલ કાદર મલેકની વિશ્વાસ વેલ્ડીંગની દુકાને ઠપકો આપવા ગયો હતો. તે વખતે અબ્દુલ કાદરે તેની સાથે ઝઘડો કરી તીક્ષ્ણ હથિયારથી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવને લઈ ચકચાર મચી હતી.
આ બનાવ અંગે મરનારના પિતા હુસેનમિયાં રસુલમિયાં મલેકએ નડિયાદ ટાઉનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યારા અબ્દુલ કાદરની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.