(એજન્સી) જબલપુર, તા.૨૪
ત્રણ દિવસ પહેલાં બે મુસ્લિમ યુવકો ઉપર બળદની હત્યાનો આરોપ મૂકી એમની ઉપર હુમલો કરાયો હતો. જેમાં એક મુસ્લિમ યુવકનું મૃત્યુ થયું હતું અને અન્ય ગંભીર રીતે ઘવાયો હતો. આ ઘટના મધ્યપ્રદેશના સતના જિલ્લામાં બની હતી. પોલીસે પીડિતોના કુટુંબીજનોને હજુ સુધી એફઆઈઆરની નકલ પણ આપી નથી.
સિરાજખાન અને એમનો મિત્ર શકીલ પોતાના ઘરે માઈહર શહેર જઈ રહ્યા હતા. એવામાં લાકડીઓ અને હથિયારો સામે એમની ઉપર હુમલો કરાયો હતો. હુમલો કરનારાએ આક્ષેપો મૂકયા હતા કે, બંને મુસ્લિમ યુવકોએ બળદની હત્યા કરી હતી. હુમલામાં ખાનનું મૃત્યુ થયું અને શકીલને ગંભીર ઈજાઓ થતાં એમને જબલપુરની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
કાયદાની જોગવાઈઓ મુજબ પોલીસે પીડિતાના કુટુંબીજનોને એફઆઈઆરની નકલ વિનામૂલ્યે પૂરી પાડવાની છે. આ જોગવાઈ પોલીસ માટે ફરજિયાત છે જ્યારે ઘટના સાથે બળદની કતલ પણ સંકળાયેલ છે ત્યારે એફઆઈઆરની નકલ આપવી વધુ અનિવાર્ય બની જાય છે.
શિરાજખાનના ભાઈએ કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છીએ પણ પોલીસ એક અથવા બીજો કારણ આગળ ધરી ટલ્લે ચઢાવે છે. છેલ્લી વખતે પોલીસે કહ્યું હતું કે, અમે પહેલાં શકીલનું નિવેદન લઈશું પછી તમને એફઆઈઆરની નકલ આપીશું.
સતનાના એસપીએ જણાવ્યું કે, એફઆઈઆરની નકલ આપવી ફરજિયાત છે. હું આ બાબતે તપાસ કરી વહેલી તકે એફઆઈઆરની નકલ અપાવીશ.
આ ઘટનાના બે કેસો બન્યા છે. એક કેસ બળદની કતલનો છે. પોલીસે શિરાજખાન અને શકીલ સામે બળદની હત્યાનો કેસ દાખલ કર્યો છે. જેમાં શકીલને આરોપી બતાવવામાં આવ્યો છે. કારણ કે, બળદની હત્યા કરવી મધ્યપ્રદેશમાં ગુનો છે. બીજી કેસ એમની ઉપર થયેલ હુમલો અને શિરાજખાનની હત્યાનો છે. જેમાં શકીલને ફરિયાદી બનાવવામાં આવ્યો છે. બીજા કેસમાં પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. બીજા કેસનો આરોપી પહેલાં કેસનો ફરિયાદી છે.