(એજન્સી) ઇન્દોર, તા.૧
ગઇકાલે નવા વર્ષની ઉજવણી વચ્ચે મધ્યપ્રદેશમાં એક દુઃખદ ઘટના બની હતી. મહૂના જાણીતા ઉદ્યોગપતિ અને પાથ ઇન્ડિયાના સીઇઓ પુનીત અગ્રવાલના પાતલપાની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીની પાર્ટી શોકમાં ફેરવાઇ ગઇ હતી. પુનીત અગ્રવાલ તેમની પત્ની, પુત્રી, જમાઇ, પૌત્ર અને મુંબઇમાં રહેતા ત્રણ સંબંધીઓ સાથે ફાર્મ હાઉસ પર ગયા હતાં. જ્યાં બની રહેલા ટાવરમાં લગાવવામાં આવેલી કેપ્સૂલ લિફ્ટમાં તેઓ ઉતરી રહ્યા હતાં. ત્યારે લિફ્ટ ૭૦ ફુટની ઉંચાઇ પરથી અચાનક પટકાઈ હતી અને બધા લિફ્ટ સાથે નીચે પડ્યા હતા. મંગળવાર સાંજે બનેલી આ દુર્ઘટનામાં ૫૩ વર્ષના ઉદ્યોગપતિ પુનીત, તેમની ૨૭ વર્ષની પુત્રી પલક, ૨૮ વર્ષના જમાઇ પલકેશ અગ્રવાલ, ૩ વર્ષનો પૌત્ર નવ, મુંબઇથી આવેલ પલકેશના ૪૦ વર્ષના બનેવી ગૌરવ અને ૧૧ વર્ષનો પુત્ર આર્યવીરના મોત થયા હતા. ગૌરવની પત્ની નિધિની હાલત ગંભીર છે. પુનીત અગ્રવાલની પત્ની દુર્ઘટના સમયે નીચે અને પુત્ર નિપુન ટાવર પર હતા, બંનેની નજર સામે આ દુર્ઘટના ઘટી હતી. પુત્રવધૂ સાક્ષી ગર્ભવતી હોવીથી ઘરે જ હતી. ઉલ્લેખનીય છે કે પુનીત અગ્રવાલ ૧૪ કંપનીઓમાં ડાયરેકટર અને અંદાજે ૧૯૯૨ કરોડની નેટવર્ક છે. ફાર્મ હાઉસનો ચોકીદાર કૈલાશ રિમોટથી લિફ્ટ ઓપરેટ કરી રહ્યો હતો. મહૂના જીજીઁ ધર્મરાજ સિંહ મીણાના જણાવ્યા અનુસાર પુનીત અગ્રવાલ પોતાના પરિવાર સાથે ફાર્મ હાઉસ પર પિકનિક કરવા ગયા હતા. સાંજે પરિવારના સાત સભ્યો સાથે તેઓ ફાર્મ હાઉસના ટાવરની લિફ્ટ પર કુદરતી નજારો જોવા માટે ચડ્યા હતા. ઉતરતા સમયે લગભગ ૭૦ ફુટ ઉંચેથી અચાનક લિફ્ટ પલટી ગઇ હતી અને તેમાં સવાર બધા લોકો નીચે પટકાયા હતાં. ત્યાં હાજર કર્મચારીઓએ ઘટનાની જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી હતી અને તમામને પહેલા મહૂની મેવાડા હોસ્પિટલ અને ત્યારબાદ ચોઇથરામ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતાં. જ્યા સાંજે ૬ લોકોનાં મોત થયાનું ડોક્ટરે જણાવ્યું હતું.