ભોપાલ, તા.૨૪
મધ્ય પ્રદેશમાં ૧ જુનથી શરૂ થનાર ખેડૂત આંદોલન મામલે સરકાર એલર્ટ થઈ ગઈ છે. શિવરાજ સરકાર વિરૂદ્ધ ખેડૂતોનો વધી રહેલો આક્રોશ મોટા આંદોલનના સંકેત આપી રહ્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે જે ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રાયસ કરે એની સામે કડક હાથે કામ લેવામાં આવે. આ મામલે કૃષિ મંત્રી ગૌરીશંકર બિસેનનો આરોપ છે કે કોંગ્રેસ ખેડૂતોને ભડકાવવાનું કામ કરી રહી છે. તેમના દાવા પ્રમાણે કોંગ્રેસ રાજયમાં શાંતિની સ્થિતિ ડહોળવાનો જે પ્રયાસ કરી રહી છે એને સાંખી નહીં લેવાય. મધ્ય પ્રદેશમાં ખેડૂતો ૧ જૂનથી ૧૦ જૂન સુધી આંદોલન કરવાના છે. ખેડૂતોની ધમકીથી પોલીસ અને પ્રશાસનની નિંદર ઉડી ગઈ છે. ૧ જૂનથી ખેડૂત દૂધ, શાક, ફળ તેમજ પોતાનું કોઈ ઉત્પાદન શહેરમાં નહીં વેચે. હાલમાં મંદસૌરમાં થયેલા ખેડૂત આંદોલનની આગ હજી ઠંડી નથી પડી ત્યાં આખા મધ્ય પ્રદેશમાં ખેડુતોએ આંદોલનનું બ્યુગલ ફુંકી દીધું છે. આ આંદોલન મામલે ખેડૂત સંગઠન સતત બેઠક કરી રહ્યા છે અને સરકારને ઘેરવાની મજબૂત રણનીતિ ઘડી રહ્યા છે.