(એજન્સી) ભોપાલ, તા. ૨૫
સત્તાધારી ગઠબંધનમાં સાગમટે રાજીનામાની કવાયતને કારણે કોંગ્રેસ-જેડીએસ સરકારને તોડી પાડવામાં ભાજપ સફળ રહ્યા બાદ ભગવા પક્ષે મધ્યપ્રદેશમાં પોતાની જ છાવણીમાં પક્ષપલટાનો સામનો કરવાનો વારો આવ્યો છે. મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા લવાયેલા બિલને મતદાન કરીને ભાજપના આદેશને બે ધારાસભ્યો ઘોળીને પી ગયા બાદ આ ઘટના સામે આવી છે. રાજ્યમાં વકીલોની લાંબા સમયથી પડતર માગણીઓને ધ્યાને લઇને એડવોકેટ પ્રોટેક્શન બિલ લવાયું હતું. આ બિલનો મુસદ્દો ૧૫ વર્ષ પહેલા ઘડાયો હતો પણ શિવરાજસિંહની છેલ્લા ૧૫ વર્ષની સરકારમાં તેને ધ્યાને લેવાયો ન હતો. પાર્ટી લાઇનથી અલગ ભાજપના ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ દ્વારા બિલને સમર્થન કરાતા ખરડાને વિધાનસભામાં ૧૨૨ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. ભાજપે આ મતદાનમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો હતો.
અહેવાલો અનુસાર બંને ધારાસભ્યોએ પોતાના મતદાનને ‘ઘરવાપસી’ તરીકે ગણાવ્યું હતું. ધારાસભ્યે જણાવ્યું કે, શિવરાજસિંહ ચૌહાણની પહેલાની સરકારે મારા મતવિસ્તાર માટે ઘણા વાયદા કર્યા હતા પણ કાંઇ કર્યું નહીં. મારી ચૂંટણી નિષ્ફળ બનાવવા માટે પણ પાર્ટીમાં પ્રયાસો કરાયા હતા. કોંગ્રેસ મારૂં જુનું ઘર છે અને હું ત્યાં પરત ફરી રહ્યો છું. મારા મતવિસ્તાર માટે જેટલું સારૂં કરી શકું તે કરીશ. કોંગ્રેસની ટિકિટ પરથી સફળતાપૂર્વક વિધાનસભા ચંૂંટણી લડ્યા પહેલા ત્રિપાઠી સમાજવાદી પાર્ટીમાં હતા. જોકે, તેમણે ૨૦૧૫માં ભાજપમાં સામેલ થયા અને ૨૦૧૬ની મૈહાર પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓએ ગયા વર્ષે ભાજપની ટિકિટ પરથી અહીં ચૂંટણી લડી હતી અને ફરીવાર જીત્યા હતા. કોલ પણ કોંગ્રેસના જ પુત્ર કહેવાય છે જેઓ કોંગ્રેસના નેતા જુગુલ કોલના પુત્ર છે અને ડિસેમ્બર ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા. તેઓ પણ ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા.