(એજન્સી) ભોપાલ, તા.૯
મધ્યપ્રદેશના બુરહાનપુરમાં લોન પરત કરવા સક્ષમ નહીં હોવાની સ્થિતિમાં એક ખેડૂતે આપઘાત કરતા ચકચાર જાગી હતી. આ ઘટના ગત સપ્તાહની છે. આ બનાવના કારણે વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપ પર નિશાન સાધ્યો હતો. વિરોધ પક્ષના દબાણને વશ થઈ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને આ મોત મામલે તપાસનો આદેશ આપવાની ફરજ પડી હતી.
મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કમલનાથને ટાંકતા એક અંગ્રેજી અખબારમાં જણાવવામાં આવ્યું હતું કે, શું સરકાર આવી જ રીતે ખેડૂતોની આવક બમણી કરશે કે તેમને નાદાર જાહેર કરાવશે ? ૪ર વર્ષીય ધરતીપુત્રોએ એક કો-ઓપરેટિવ સોસાયટી પાસેથી લોન લીધી હતી તે લોન પરત નહીં કરી શકતા તેણે પોતાના ૧૭ વર્ષીય પુત્રને કામદાર તરીકે મૂક્યો હતો ! સોસાયટીએ આ ખેડૂતને નોટિસ પાઠવી વ્યાજ સહિત રૂા.૧.પ લાખ પરત કરવા દબાણ કર્યું હતું. પણ તે આ રકમ ચૂકવવા સક્ષમ નહીં હોવાથી તેણે ગત ત્રીજી મેના રોજ ઝેરી દવા ખાઈ આપઘાત કરી લીધો હતો. કોંગ્રેસે પીડિત પરિવાર માટે રૂા. દસ લાખના વળતરની માંગ કરી હતી અને “ગીરો” મૂકેલા છોકરાને મુક્ત કરવાની પણ માગણી કરી હતી.