(એજન્સી) તા.૧૮
દેશના તમામ સાંસદો અને ધારાસભ્યોએ આજે આગામી રાષ્ટ્રપતિને ચૂંટવા માટે મતદાન કર્યું હતું પરંતુ મધ્યપ્રદેશના પ્રધાન મિશ્રા આ કવાયતમાં ભાગ લઇ શક્યા ન હતા કારણ કે પેઇડ ન્યૂઝ અને ચૂંટણી ખર્ચ અંગે યોગ્ય હિસાબો સુપરત નહીં કરવા બદલ તેમને ધારાસભ્ય પદેથી તેમજ પ્રધાનના હોદ્દા પરથી ગેરલાયક ઠરાવવાના ચૂંટણી પંચના આદેશના પગલે દિલ્હી હાઇકોર્ટે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે મનાઇ ફરમાવી હતી.
૨૦૦૮માં મ.પ્ર.માં દાતિયામાંથી તેમની ચૂંટણી દરમિયાન ગેરવર્તણૂક માટે તેમને જવાબદાર ઠેરવવા છતાં મિશ્રાનો મુદ્દો મહત્વનો એ રીતે છે કે તેમની સામે અન્ય ઉમેદવાર અને કોંગ્રેસના પૂૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભારતી દ્વારા ખર્ચના હિસાબો જાહેર નહીં કરવાના આરોપો બાદ પણ મ.પ્ર. સરકારે તેમને પ્રધાન તરીકે ચાલુ રાખ્યા હતા.
૨૦૧૨માં તેમની સામે પેઇડ ન્યૂઝના આક્ષેપો સામે આવ્યા હોવા છતાં તેમને ૨૦૧૩ની ચૂંટણી લડવા દેવામાં આવી હતી અને પ્રધાન બનાવાયા હતા. શિવરાજસિંહ ચૌહાણ સરકારમાં જળ સંસાધનો, જનસંપર્ક અને સંસદીય બાબતોના પ્રધાન નરોત્તમ મિશ્રાએ ચૂંટણી પંચના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જો કે ૧૬ જુલાઇના રોજ હાઇકોર્ટની ડિવિઝન બેંચે તેમની મનાઇહુકમ માટેની અરજી ફગાવી દીધી હતી અને આ મામલો નિયમિત બેંચ દ્વારા સુનાવણી માટે ઓગસ્ટમાં લિસ્ટ કરાયો હતો.
૧૪ જુલાઇના રોજ હાઇકોર્ટે મિશ્રાને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન આપવા માટે ગેરલાયક ઠરાવ્યા હતા. ૨૩ જૂનના રોજ ૬૯ પાનાના ચુકાદામાં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર નસિમ જૈદી અને ચૂંટણી કમિશનરો ઓ પી રાવત અને એ કે જ્યોતિની બનેલી ચૂંટણી પંચની બેંચે ઠરાવ્યું હતું કે નરોત્તમ મિશ્રાને લોકપ્રતિનિધિત્વ દ્વારા ૧૯૫૧ની કલમ ૧૦ હેઠળ ગેરલાયક ઠરાવવા જોઇએ. બેંચે જાહેર કર્યુ હતું કે કાયદા હેઠળ ચૂંટણીને લગતા ખર્ચના હિસાબો રજૂ કરવામાં નિષ્ફળ જવા બદલ અને આ નિષ્ફળતા માટે કોઇ યોગ્ય કારણ કે જસ્ટીફિકેશનના અભાવના કારણે આ આદેશની તારીખથી નરોત્તમ મિશ્રાને ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠરાવવામાં આવે છે.
નરોત્તમ મિશ્રા સામે પેઇડ ન્યૂઝનો સૌથી ગંભીર આરોપ એ હતો કે જુદા જુદા પ્રકાશનમાં તેમની તરફેણમાં ૪૨ ન્યૂઝ આઇટમ્સ પ્રકાશિત કરાઇ હતી. આ ઉપરાંત નરોત્તમ મિશ્રાએ ચૂંટણીના દિવસે પોતાના ફોટોગ્રાફ સાથે પોતાના નામજોગ સીધી અપીલ કરીને આઇપીસી ૧૮૬૦ની કલમ ૧૭૧ એચ હેઠળ ચૂંટણી પંચે મિશ્રાને અપરાધી ઠેરવ્યા હતા.