(એજન્સી) મધ્યપ્રદેશ, તા.ર૩
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે એક ખેડૂત ખેતરોની વચ્ચે ઊભો રહીને પોતાની પીડાને વ્યક્ત કરી રહ્યો છે. આ શખ્સ આ વીડિયોમાં પોતાનું સરનામું મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાને જણાવી રહ્યો છે. વીડિયો અનુસાર આ શખ્સે પોતાનું નામ દિનેશ કુમાર શ્રીવાસ્તવ જણાવ્યું છે. વીડિયોમાં આ શખ્સ ગુજરાતથી લઈને મધ્યપ્રદેશના ખેડૂતોને અપીલ કરતો જોવા મળી રહ્યો છે કે, ખેડૂતોની દયનીય પરિસ્થિતિ માટે બીજેપી સરકાર જવાબદાર છે. આ શખ્સ મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ પર નિશાન તાકતો જોવા મળી રહ્યો છે. ખેડૂતોની આ પરિસ્થિતિ માટે તે શિવરાજસિંહ ચૌહાણની સરકારને દોષી ઠેરવી રહ્યો છે.
વીડિયોમાં આ શખ્સ ગુજરાતના ખેડૂતોને પણ અપીલ કરતો જોવા મળી રહ્યો છે કે, તેઓ ગુજરાત ચૂંટણીમાં બીજેપીને મત ના આપે. મોદીને હરાવવા માટે તમારો મત અન્ય પાર્ટીને આપો. આ શખ્સે વીડિયોમાં કહ્યું કે, પીએમ મોદી અને શિવરાજસિંહ ચૌહાણની સામે ‘જય જવાન, જય કિસાન’ના સૂત્રોચ્ચાર કરવાને બદલે ‘મરેલા ખેડૂતોનાં’ સૂત્રોચ્ચાર કરો.
આ વીડિયોમાં જોવા મળી રહેલ દિનેશ કુમાર શ્રીવાસ્તવ નામનો આ શખ્સ આટલેથી જ અટકતો નથી, તેણે કહ્યું કે, ગાયો પર જે રીતે પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, તેનાથી ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાયરલ વીડિયોમાં આ ખેડૂતે કહ્યું કે, જે ગાય દૂધ નથી આપી શકતી, તેનું મોત કતલખાનાથી પણ વધારે ખરાબ રીતે થઈ રહ્યું છે.