(એજન્સી) સતના, તા.૧૩
મધ્યપ્રદેશ સરકારના શિક્ષણમંત્રી વિજય શાહે બધી જ ખાનગી સ્કૂલોને નિર્દેશ આપ્યો છે કે, કલાસમાં હાજરી લેવાની હોય તે સમયે વિદ્યાર્થીએ ‘યસ સર / મેડમ’ના બદલે ‘જય હિન્દ’નું ઉચ્ચારણ કરવું જ્યારે એમના રોલનંબર હાજરી માટે પોકારાય ત્યારે જય હિન્દ કહેવું. શાહે જણાવ્યું કે, આદેશ ફકત સલાહરૂપી છે. અમને આશા છે કે શાળાઓ અમલ કરશે. અમારો ઉદ્દેશ્ય દેશભક્તિને જીવંત રાખવાનો છે. એમણે વધુમાં કહ્યું કે આ બાબતે હું મુખ્યમંત્રી પાસેથી પરવાનગી લઈશ, જો પ્રયોગ સફળ થશે તો રાજ્યની બધી શાળાઓમાં અમલ કરાવીશું. મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કુનાલ ચૌધરીએ કહ્યું કે સરકારે વિદ્યાર્થીઓ શું પહેરે છે, ખાય છે અને કેવા સૂત્રો પોકારે છે એ તરફ ધ્યાન આપવાને બદલે શિક્ષણ તરફ ધ્યાન આપવું જોઈએ. જો કે ‘જય હિન્દ’ કહેવામાં કોઈ વાંધો નથી. પણ શિક્ષણ વિભાગનું મુખ્ય કાર્ય પ્રદેશમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવાનું છે જે કાર્યમાં સરકાર નિષ્ફળ રહેલ છે. ભાજપ સરકાર બળજબરીથી દેશભક્તિ ઠોકી બેસાડવા પ્રયાસ કરી રહી છે. ગયા વખતે શાહે જાહેરાત કરી હતી કે ભાજપના વિચારક પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનચરિત્ર બાબતે શાળાઓમાં ભણાવવામાં આવશે અને એને લગતા ચેપ્ટરો અભ્યાસક્રમમાં મૂકાશે. ૧૦મી ઓગસ્ટે મુંબઈ મ્યુનિ. કોર્પો.ને પોતાની શાળાઓમાં ‘વંદે માતરમ્‌્‌’ ગાવું ફરજિયાત કર્યું હતું. રપમી જુલાઈએ મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે બધી જ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓમાં અઠવાડિયામાં એક વખત વંદે માતરમ્‌ વગાડવામાં આવે.