(એજન્સી) ગ્વાલિયર, તા.રર
ગ્વાલિયરમાં ઝાંસી રાજમાર્ગ સ્થિત મૂંગા-બહેરાના એક આશ્રયગૃહમાં ર૪ વર્ષની યુવતી સાથે દુષ્કર્મ બાદ ગર્ભપાત કરાવવાના મામલામાં ચાર ડોક્ટર સહિત નવ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં ત્રણ ડોક્ટર અને અન્ય છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ગ્વાલિયરના બિલૌઆ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અમિત ભદોરિયાએ શુક્રવારે જણાવ્યું કે, ઝાંસી રાજમાર્ગ સ્થિત ‘સ્નેહાલય’ શેલ્ટર હોમમાં ર૪ વર્ષીય મૂકબધીર યુવતી સાથે શેલ્ટર હોમના ચોકીદાર સાહબસિંહ ગુર્જરે લાંબા સમય સુધી દુષ્કર્મ આચર્યું. જેને કારણે યુવતી ગર્ભવતી થઈ હતી. શેલ્ટર હોમના સંચાલક ડો.બી.કે.શર્માએ ૧૯ સપ્ટે.ના રોજ યુવતીનું ગર્ભપાત કરાવી દીધું અને પુરાવા નષ્ટ કરવા ભ્રૂણને સળગાવીને નષ્ટ કરી દીધું. ઉલ્લેખનીય છે કે, આ મામલામાં પીડિતાની ઉંમર, ભાષા, ન્યૂઝ એજન્સી અનુસાર ર૪ વર્ષ છ જ્યારે એએનઆઈ મુજબ સગીરા છે. તેમણે જણાવ્યું કે, પોલીસે આ મામલે ચાર એમબીબીએસ ડોક્ટર સહિત ૯ લોકો વિરૂદ્ધ આઈપીસી ધારા હેઠળ મામલો નોંધ્યો છે. ભદોરિયા અનુસાર આમાંથી ત્રણ ડોક્ટર સહિત અન્ય છ લોકોની ગુરૂવારે ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરાયેલ ત્રણ ડોક્ટરમાં શેલ્ટર હોમના સંચાલક ડો.બી.કે.શર્મા, એમની પત્ની ડો.ભાવના શર્મા, ડો.વિવેક સાહૂ અને અન્ય રવિ વાલ્મિકી, ગિર્રાજ બધેલ, મેનેજર જયપ્રકાશ શર્મા સામેલ છે. જ્યારે બળાત્કારનો આરોપી ચોકીદાર સાહબસિંહ ગુર્જર, ડો.પુષ્પા મિશ્રા, વોર્ડન પ્રભા યાદવ ફરાર છે. ભદોરિયાએ જણાવ્યું કે, ડો.બી.કે.શર્મા અને તેમના પત્ની ડો.ભાવના શર્મા સ્નેહાલય શેલ્ટર હોમનું સંચાલન કરે છે. આ આશ્રયગૃહને દેશ-વિદેશમાંથી ભંડોળ પણ મળે છે. તેમણે કહ્યું કે, આશ્રયગૃહની તમામ છોકરીઓની મેડિકલ તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ર૦ મહિલા તેમજ બાળવિકાસ વિભાગના જિલ્લા અધિકારી રાજીવસિંહની મૂકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની જાણ થયા બાદ અધિકારીએ સ્નેહાલય આશ્રયગૃહની તપાસ કરી હતી. તપાસ દરમિયાન બળાત્કાર પીડિત યુવતી રૂમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી.