(એજન્સી) ભોપાલ, તા.૧૭
મધ્યપ્રદેશમાં ૧પમી ઓગસ્ટના રોજ રાજ્યના સ્વાતંત્ર્ય સેનાનીઓના અખબારોમાં છપાયેલા ફોટામાં મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓની મધ્યપ્રદેશની ભાજપ સરકારે કરેલી અવગણનાની રાજ્યભરના ધાર્મિક નેતાઓએ આલોચના કરી છે. રાજ્ય સરકારે આપેલી જાહેરાતમાં સ્વાતંત્ર્ય સેનાની જે યાદી છે તેમાં રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મીલ, ભીમાનાયક, શંકર શાહ, રઘુનાથ શાહ અને બીજા ઘણા સામેલ છે પરંતુ તેમાં સરકારે એક પણ મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીને સામેલ કર્યા નથી. આ પગલાને વખોડી કાઢતાં મધ્યપ્રદેશ મુસ્લિમ સંકલન સમિતિએ વિવિધ મુસ્લિમ સંગઠનોના છત્ર હેઠળ એક પ્રેસ નિવેદનમાં શિવરાજ સરકારને પૂછ્યું છે કે શું તે એક પણ મુસ્લિમ સેનાનીને શોધી શક્વા માટે સક્ષમ ન હતા ? મોટાભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટા મધ્યપ્રદેશના છે. દરેક ધર્મોના લોકોએ આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. તેઓએ તેમના નામને મહત્ત્વ આપવાના બદલે દેશને આઝાદ કર્યો. ૧ર સેનાનીઓના ફોટામાં એકપણ મુસ્લિમ સેનાનીનો સમાવેશ કરાયો નથી. આ કૃત્યને વખોડી કાઢીએ છીએ. સરકારે આ અંગે માફી માગવી જોઈએ. કોઈપણ સરકાર તેની છાપ ખરાબ થાય તેવું ઈચ્છે નહીં. તેથી પીઆરઓએ આ મુદ્દે ખુલાસો કરવા કમિટીના મંત્રી મસૂદ અહમેદખાને માગણી કરી છે. ખાને કહ્યું કે રાણી લક્ષ્મીબાઈ બંુદેલખંડના હતા પરંતુ તે સમયે તે રાજ્યનો ભાગ હતો પરંતુ તે વિચિત્ર લાગે છે કે મુસ્લિમ સેનાનીઓને ભૂલાવી દેવાયા. તેમણે કહ્યું કે સિહોર જિલ્લાના મોહમ્મદ રિસાલદાર નામના સેનાનીને અંગ્રેજોએ ગોળીમારી શહીદ કર્યા હતા જ્યારે તેઓ બ્રિટિશ ધ્વજ બાળવા જઈ રહ્યા હતા. બરકતુલ્લા ભોપાલી પણ એક મહાન સેનાની હતા. તેમને પણ ભૂલાવી દેવાયા. સરકાર ઈતિહાસને જુદા જુદા રંગો આપી નવેસરથી લખવા માગતી હોય તો તે નિરાશાજનક છે. લોકો તેને માફ નહીં કરે.