(એજન્સી) ગુના, તા.૧૪
મધ્યપ્રદેશના ગુનાથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ધારાસભ્ય પન્નાલાલ શાક્યે મહિલાઓને લઈને ફરીવાર વિવાદિત નિવેદન આપ્યું છે. શાક્ય મહિલાઓને બાળકો પેદા કરવાને લઈને સલાહ આપતા નજરે પડે છે. ધારાસભ્ય પન્નાલાલ શાક્યે કહ્યું કે, મહિલાઓ ભલે વાંજણી (નિસંતાન) રહે પરંતુ જે સંસ્કારી ન હોય અને સમાજમાં વિકૃતિ પેદા કરતો હોય તેવા બાળકને જન્મ આપવો જોઈએ નહીં. અહેવાલ મુજબ, બીજેપી ધારાસભ્ય પન્નાલાલે બુધવારે કહ્યું કે, કોંગ્રેસ ગરીબી હટાવોના સૂત્ર સાથે આવી પરંતુ તેણે ગરીબોને જ દૂર કરી દીધા. કોંગ્રેસ પર નિશાન સાધતા શાક્યે કહ્યું કોંગ્રેસના શાસનકાળમાં ખોટી નીતિ બનાવનાર નેતા જન્મ્યા. મહિલાઓ નિસંતાન ભલે રહે પરંતુ સમાજમા વિકૃતિ પેદા કરતા અને સંસ્કાર ન હોય તેવા બાળકો પેદા કરતા અને સંસ્કાર ન હોય તેવા બાળકો પેદા કરવા જોઈએ નહીં. જણાવી દઈએ કે, થોડાક દિવસો અગાઉ પીજી કોલેજમાં સ્માર્ટફોન વિતરણ કાર્યક્રમમાં મહિલાઓને લઈને વિવાદિત નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મહિલાઓ પુરૂષ મિત્ર બનાવે છે માટે તેમના પર અત્યાચાર થાય છે. જો મહિલા પુરૂષ મિત્ર બનાવવાનું છોડી દે તો એમના પરના અત્યાચારો પણ બંધ થઈ જશે. શાક્યએ આ અગાઉ ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઈટાલીમાં લગ્ન કરવા પર કોહલીની દેશભક્તિ પર પણ સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, વિરાટે ભારતમાંથી કમાણી કરી પરંતુ લગ્ન સંસ્કાર કરવા તેને ભારતમાં ક્યાંય જગ્યા જ ન મળી ? ભારત આટલો અછૂત લાગ્યો કે તેમણે ઈટલી જઈ લગ્ન કર્યા.