(એજન્સી) ટેક્સાસ, તા.૩
ફેડરલ તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે, ડલાસ એરપોર્ટ ખાતેથી ઉડાન ભરનાર અકસ્માતનો ભોગ બનેલા નાનકડા વિમાનના કોકપીટ વોઈસ રેકોર્ડરનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા ૧૦ પૈકી ૬ લોકોનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. ડલાસના ઉત્તર એડિશન મ્યુનિસિપલ એરપોર્ટ ખાતે રવિવારે સવારે વેરાન ઈમારતમાં બીઈ-૩પ૦ કિંગ એરનું વિમાન ટકરાઈ અકસ્માતગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં ચાલક દળના બે સભ્યો અને આઠ મુસાફરોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે જેમાં અત્યાર સુધી છ મૃતકોની ઓળખ કરવામાં આવી છે. આ વિમાન ફલોરિડાના સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું.